News of Sunday, 28th December 2025
'થાય એ કરી લો, પ્રેમ તો ચાલુ જ રહેશે': અમદાવાદમાં પ્રેમ પ્રકરણમાં લોહીયાળ જંગ, યુવક પર ધારીયાના ઝીંકાયા ઘા
પિતરાઈ ભાઈની પત્ની સાથેના પ્રેમ સંબંધમાં અંધ બનેલા પ્રેમીએ સમજાવવા આવેલા મિત્રો પર કર્યો જીવલેણ હુમલો: તપોવન સર્કલ પાસે ફિલ્મી ઢબે ધારીયું વીંઝતા યુવકના હાથમાં આવ્યા સાત ટાંકા, ચાંદખેડા પોલીસ તપાસમાં વ્યસ્ત

અમદાવાદ: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં અનૈતિક પ્રેમ સંબંધ અને પારિવારિક વિવાદે હિંસક વળાંક લીધો છે. પિતરાઈ ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ રાખનાર જીગર રાજપાલ નામના શખસને સમજાવવા જવું બે મિત્રોને ભારે પડ્યું છે. તપોવન સર્કલ પાસે જીગરે "તમારાથી થાય એ કરી લો, હું તો એને પ્રેમ કરતો જ રહીશ" કહી ઉશ્કેરાઈ જઈને પોતાની ગાડીમાંથી ધારીયું કાઢી મિત્રો પર હુમલો કરી દીધો હતો. આ લોહીયાળ જંગમાં વચ્ચે પડનાર દિગ્વિજયસિંહ નામના યુવકના બંને હાથના પંજા પર ધારીયાના ઘા વાગતા તે લોહીલુહાણ થઈ ગયો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે, બાપુનગરમાં રહેતા હિમાંશુ મકવાણાના પિતરાઈ ભાઈ સચિનની પત્ની હીનાને સચિન સાથે અગાઉ નોકરી કરતા જીગર સાથે આંખ મળી ગઈ હતી. આ પ્રેમ પ્રકરણને કારણે હીના છેલ્લા ચાર મહિનાથી પિયરમાં રહેતી હતી અને જીગરની ઉશ્કેરણીથી સાસરિયાઓ વિરુદ્ધ પોલીસ અરજીઓ કરીને હેરાન કરતી હોવાનો આક્ષેપ છે. ગત ૨૧ ડિસેમ્બરે જ્યારે હિમાંશુ અને તેનો મિત્ર દિગ્વિજયસિંહ ચાંદખેડામાં કાકાને મળવા જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં જીગર દેખાતા તેઓએ તેને સંબંધો તોડી નાખવા અને પરિવારને હેરાન ન કરવા સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.
શાંતિથી વાત કરવા ગયેલા યુવકો પર જીગરે પિત્તો ગુમાવી ગાળાગાળી શરૂ કરી હતી. તેણે ગાડીમાંથી ધારીયું કાઢી પહેલા હિમાંશુ પર હુમલો કર્યો, પરંતુ હિમાંશુ ખસી જતાં તે બચી ગયો હતો. ત્યારબાદ આરોપીએ દિગ્વિજયસિંહ પર ઘા ઝીંક્યા હતા, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દિગ્વિજયસિંહના હાથ પર સાત જેટલા ટાંકા લેવા પડ્યા છે. હુમલા બાદ આરોપી "જો ફરી મારું નામ લીધું છે તો જાનથી મારી નાખીશ" તેવી ધમકી આપી ફરાર થઈ ગયો હતો.
ચાંદખેડા પોલીસે આ મામલે હિમાંશુ મકવાણાની ફરિયાદને આધારે ગુનો નોંધી આરોપી જીગરની શોધખોળ તેજ કરી છે. ધોળા દિવસે જાહેર રોડ પર થયેલા આ જીવલેણ હુમલાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પ્રેમમાં અંધ બનેલો શખસ એટલી હદે ઉશ્કેરાયો હતો કે તેણે પોતાના મિત્ર સમાન પક્ષના ભાઈઓને પણ લોહીલુહાણ કરી દીધા. હાલમાં પોલીસ ફરાર આરોપીના સગડ મેળવવા માટે તપોવન સર્કલ અને આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસી રહી છે.
(1:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
