News of Sunday, 28th December 2025
પ્રકૃતિના સંરક્ષણ થકી ઈશ્વરની ઊભી કરેલી વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ સાચી પૂજા: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં દેથલી ગામે યોજાઈ રાત્રી સભા: રાજ્યપાલએ વૃક્ષારોપણ, સ્વચ્છતા, શિક્ષા, કેળવણી, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને સામાજિક સમરસતા જેવા મહત્વપૂર્ણ ગ્રામીણ જીવન મૂલ્યો વિશે સંવાદ કર્યો: સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા રાજ્યપાલની અપીલ

ગાંધીનગર :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં ખેડા જિલ્લાના માતર તાલુકાના દેથલી ગામે પી. એમ. શ્રી પ્રાથમિક શાળા ખાતે રાત્રી સભા યોજાઈ હતી
રાજ્યપાલએ રાત્રી સભા અંતર્ગત વૃક્ષારોપણ, સ્વચ્છતા, શિક્ષા, કેળવણી, પ્રાકૃતિક ખેતી, પશુપાલન અને સામાજિક સમરસતા જેવા મહત્વપૂર્ણ ગ્રામીણ જીવન મૂલ્યો વિશે સંવાદ કર્યો હતો.
રાજ્યપાલએ જણાવ્યું કે, પ્રકૃતિના સંરક્ષણ થકી ઈશ્વરની ઊભી કરેલી વ્યવસ્થામાં સહયોગ આપવો એ જ સાચી પૂજા છે.
તેમણે દેથલી ગામના વાલીઓને તેમના બાળકો જન્મદિવસના અવસરે એક વૃક્ષ ઉગાડે અને એક વર્ષ સુધી તેનું જતન કરે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
એવી જ રીતે ગામના લોકોને સ્વચ્છતા, શિક્ષણ અને કેળવણીના પાઠ રાજ્યપાલશ્રીએ આપ્યા હતા. તેમણે બાળકોને ફરજિયાત શિક્ષણ આપવાની સાથે બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન કરવા ઉપર ભાર મૂક્યો હતો. આ માટે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડો. અબ્દુલ કલામના જીવન સંઘર્ષના ઉદાહરણ આપ્યા હતા.
આ સિવાય રાજ્યપાલ પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધન દ્વારા ઉત્તમ પશુપાલન કરવા ગ્રામીણોને અનુરોધ કર્યો હતો. તેમણે ગ્રામજનોને એકતા, પ્રેમ, ભાઈચારો અપનાવી ગામમાં સંપથી રહેવા અને સરકારની કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી.
આ તકે નિવાસી અધિક કલેકટર જે.બી.દેસાઈએ જણાવ્યું કે, ગ્રામ કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત આયોજિત સેવાસેતુ કાર્યક્રમમાં 450 થી વધુ લોકોએ સેવાઓનો લાભ લીધો હતો.
રાત્રી સભા દરમિયાન રાજ્યપાલના હસ્તે પી.એમ.જે.વાય.આયુષ્માન કાર્ડ, ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના અને વૃદ્ધ સહાય યોજનાના લાભનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઈ મકવાણા, સરપંચ તુલસીબેન સોલંકી, નડિયાદ મહાનગરપાલિકાના કમિશનર અને ઇન્ચાર્જ કલેકટર જી.એચ .સોલંકી, જિલ્લા વિકાસ અધિકારી જયંત કિશોર ,નિવાસી અધિક કલેકટર જે.બી. દેસાઈ, ખેડા પ્રાંત અધિકારી સુરજભાઈ બારોટ, સહિત અન્ય મહાનુભાવો, અગ્રણીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
