News of Monday, 29th December 2025
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા આયોજિત સરદાર @૧૫૦ સ્વદેશી પદયાત્રાનું ખોડલધામ ખાતે ભવ્ય સમાપન
રાષ્ટ્રીય એકતા અને સ્વદેશી સંકલ્પ સાથે ખોડલધામ ખાતે ખોડલ માતાજીને વંદન, ધ્વજારોહણ અને પદયાત્રીઓના ગૌરવસભર સન્માન સાથે ઐતિહાસિક પૂર્ણાહુતિ:સરદારના વિચારો જીવનમાં ઉતારો:કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયા

રાજકોટના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા સરદાર પટેલની 150 મી જન્મ જયંતી પ્રસંગે યોજાયેલ રાજકોટથી કાગવડ (ખોડલધામ) સુધીની પદયાત્રાનો ખોડલધામ ખાતે ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો જેમાં ટીલાળા પરિવાર દ્વારા મા ખોડલને ધજાજી ચડાવવામાં આવી હતી તેની તસવીર અને સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવીયા,રાજ્યના મંત્રી કૌશીકભાઈ વેકરીયા,સાંસદ પરસોતમભાઈ રૂપાલા,પુર્વ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સહીત ઉપસ્થિત મહાનુભાવોનું અને પદયાત્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ તેની તસવીર (તસ્વીર વિજય વસાણી અકિલા)
રાજકોટ તા.28 : અખંડ ભારતના શિલ્પી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા દ્વારા આયોજિત ‘સરદાર@૧૫૦ સ્વદેશી પદયાત્રા – ૨૦૨૫’નું ભવ્ય, ગૌરવ સભર અને ભાવપૂર્ણ સમાપન ખોડલધામ કાગવડ ખાતે સાધુ સંતો,રાજકીય અગ્રણીઓ, ઉદ્યોગપતિઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું.
રાજકોટથી પ્રસ્થાન કરી ત્રણ દિવસ સુધી ચાલેલી આ ઐતિહાસિક પદયાત્રાએ સ્વદેશી, રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભર ભારતનો સંદેશ જનજન સુધી પહોંચાડ્યો હતો.
પદયાત્રાના સમાપન પ્રસંગે ખોડલધામ ખાતે ખોડલ માતાજીને વંદન કરી ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ કરમસદથી કેવડિયા સુધી યોજાયેલી ઐતિહાસિક ‘યુનિટી માર્ચ’માં જોડાયેલા ૧૦ પદયાત્રીઓનું વિશેષ ગૌરવ સાથે સન્માન કરવામાં આવ્યું હતું પદયાત્રીઓના અનુભવ, સંઘર્ષ અને અડગ દેશપ્રેમ યુવા પેઢી માટે પ્રેરણારૂપ હોવાનું વક્તાઓએ જણાવ્યું હતું.
આ ઉપરાંત, ‘સરદાર@૧૫૦ સ્વદેશી પદયાત્રા’માં ત્રણ દિવસ સુધી પગપાળા જોડાયેલા તમામ પદયાત્રીઓને સન્માનપત્ર અર્પણ કરી ગૌરવવંતું સન્માન કરવામાં આવ્યું હતું પદયાત્રીઓના શિસ્તબદ્ધ વર્તન, દેશભક્તિ અને દ્રઢ સંકલ્પને ઉપસ્થિત જનમેદનીએ ઉષ્માભેર વધાવ્યો હતો.
પદયાત્રા ખોડલધામ પહોચ્યા બાદ ટીલાળા પરીવાર,ખોડલધામનાં ચેરમેન નરેશભાઈ પટેલ અને તમામ પદયાત્રીઓ દ્વારા માં ખોડલને ધજાજી ચડાવવામાં આવી હતી.
સમાપન સમારોહ દરમિયાન કેન્દ્રીય મંત્રી ડૉ.મનસુખભાઈ માંડવિયા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ,પૂર્વ કેન્દ્રીય મંત્રી તથા સાંસદ પરસોતમભાઈ રૂપાલા,રાજ્ય કક્ષાના મંત્રી કૌશીકભાઈ વેકરિયા,ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ સહિત ઉદ્યોગજગતના અગ્રણીઓ અને અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મોટી સંખ્યામાં દરેક સમાજના ભાઈ-બહેનો,યુવાનો અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિથી સમગ્ર ખોડલધામ પરિસર ઉત્સવમય બની ગયો હતો.
સમાપન સમારોહમાં મનસુખભાઇ માંડવીયાએ તેમના ઉદબોધનમાં સરદાર પટેલના જીવનમાંથી સ્વદેશી,રાષ્ટ્રીય એકતા અને આત્મનિર્ભરતાના લોકઉપયોગી પ્રસંગો અને પ્રેરણાદાયી કિસ્સાઓ યાદ કરી જીવનમાં ઉતારવા અપીલ કરી હતી જે ઉપસ્થિત જનસમૂહ તેમજ સોશિયલ મીડિયાના માધ્યમથી લાઈવ જોડાયેલા દર્શકો માટે માર્ગદર્શક સાબિત થયા હતા.
સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ પ્રાસંગિક પ્રવચનમા સરદાર પટેલના જીવન ઝરમર વિશે જો બોલવા બેસીએ તો ભાગવત કથાની જેમ આઠ દિવસ પણ ઓછા પડે તેમ જણાવી આ દેશ સરદાર પટેલને કયારેય નહી ભુલી શકે.
સમાપન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પોતાના સ્વાગત ઉદ્બોધનમાં જણાવ્યું હતું કે,
આ સરદાર સ્વદેશી પદયાત્રાનો મુખ્ય હેતુ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના વિચારો “રાષ્ટ્ર પ્રથમ, સ્વદેશી વિચાર અને રાષ્ટ્રીય એકતા”ને જનજન સુધી પહોંચાડવાનો હતો સરદાર સાહેબ માત્ર કોઈ એક સમાજના નહીં,પરંતુ સમગ્ર દેશ અને સમાજના સાચા અર્થમાં સરદાર હતા તેમના જીવન અને કાર્યમાં ક્યારેય ભેદભાવ માટે સ્થાન નહોતું, અને એ કારણસર જ આ સ્વદેશી પદયાત્રાને સમાજના તમામ વર્ગોમાંથી હર્ષભેર પ્રતિસાદ અને સ્વાગત મળ્યું.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરદાર પટેલના વિચારો આજના સમયગાળામાં પણ એટલાં જ મહત્વના છે એકતા,શિસ્ત અને સ્વાવલંબનના માર્ગે ચાલીને જ મજબૂત,આત્મનિર્ભર અને સમૃદ્ધ ભારતનું નિર્માણ શક્ય છે.
દેશભક્તિના નાદ,સરદાર પટેલના જયઘોષ અને સ્વદેશી અપનાવવાના દ્રઢ સંકલ્પ સાથે ‘સરદાર@૧૫૦ સ્વદેશી પદયાત્રા – ૨૦૨૫’નું ખોડલધામ ખાતે ઐતિહાસિક સમાપન થયું હતું આ પદયાત્રા દ્વારા રાષ્ટ્રીય એકતા, સામાજિક સમરસતા અને આત્મનિર્ભર ભારતના વિચારને વધુ મજબૂત બનાવવાનો સંદેશ જન જન સુધી પ્રસર્યો છે.
આ પ્રસંગે જેતપુરના પ્રોફેસર ભીમજીભાઈ દ્વારા લેખીત "આઝાદીના યોધ્ધા સરદાર વલ્લભભાઈ" પુસ્તકનુ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વિમોચન કરવામાં આવ્યુ હતુ અંતમાં ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોનો સહુને સંકલ્પ લેવડાવ્યો હતો.
આ પ્રસંગે પ્રદેશ ભાજપના નવ નિયુક્ત મહામંત્રી પ્રશાંત કોરાટ,કનુભાઈ ભાલાળા,મનસુખભાઇ પાણ,જીજ્ઞેશભાઈ પટોળીયા,રાજકોટ ડેરીના ચેરમેન ઞોરધનભાઈ ધામેલીયા,ચીમનભાઈ હપાણી,અરવિંદભાઈ પટેલ,વી.પી.વૈષ્ણવ,હરેશભાઈ પરસાણા,દિનેશભાઈ સોરઠીયા,પ્રવિણભાઈ પટેલ,ચંદુભાઈ ભાલાળા,જગદીશભાઈ કોટડીયા,રસિકભાઈ બદરકીયા સહીતના ઉદ્યોગપતિ,કોર્પોરેશનના પદાધિકારીઓ,ભાજપ સંગઠનના હોદેદારો,જુદી જુદી સંસ્થાના હોદેદારો,સામાજિક આગેવાનો,તમામ સમાજના આઞેવાનો સહીત મોટી સંખ્યામા લોકો જોડાયા હતા.
(9:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
