<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th December 2025

સોના-ચાંદી બાદ કોપર પણ મોંઘું થતાં જરી ઉદ્યોગની મુશ્‍કેલીમાં ઔર વધારો

બે દિવસમાં કોપરના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા ૨૦૦નો વધારો : સતત વધતા જતાં ઉત્‍પાદન ખર્ચને પગલે યુનિટો બંધ થવાની ભીતિ

સુરત, ૨૯: સુરતનો જરીઉદ્યોગ લાંબા સમયથી મુશ્‍કેલીનો સામનો કરી રહ્યો છે. દરમિયાન સોના-ચાંદી બાદ હવે કોપરના ભાવમાં પણ ભારે ઉછાળો આવતા જરીઉદ્યોગની મુશ્‍કેલી હજી વધવા પામી છે.

ઇમિટેશન જરીમાં ચાંદી સાથે મુખ્‍ય રો-મટીરિયલ તરીકે ઉપયોગમાં લેવાતા કોપરના ભાવમાં માત્ર બે  દિવસ દરમિયાન પ્રતિ કિલો રૂ. ૨૦૦ જેટલો વધારો થયો છે. છેલ્‍લા કેટલાક સમયથી જરીના રો-મટીરિયલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ તેની સામે તૈયાર માલના ભાવમાં વધારો મળી રહ્યો નથી. પરિણામે ઉત્‍પાદન ખર્ચ અને વેચાણ ભાવ વચ્‍ચે મોટો તફાવત ઊભો થતાં જરીઉદ્યોગમાં ચિતાજનક પરિસ્‍થિતિ ઊભી થઈ છે. આ પ્રકારની પરિસ્‍થિતિ લાંભા રસમય

સુધી ચાલશે તો જરીના નાના મોટા યુનિટો બંધ થવાની ભીતિ વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

જરીઉદ્યોગ માટે જાણીતા સુરતમાં હાલ ૫૦૦થી ૪૦૦ જેટલા જરીના કારખાના છે. જેમાં રિયલ જરીનું કામ કરનારા ફક્‍ત ૧૦થી ૧૫ જેટલા યુનિટ છે. સુરતની જરીની બનારસ અને દક્ષિણ ભારતના રાજ્‍યોમાં વધુ ડિમાન્‍ડ રહે છે.

વૈશ્વિક બજારમાં માંગ

છેલ્‍લા છ મહિના દરમિયાન કોપરના ભાવમાં પ્રતિ કિલો રૂ. ૪૦૦ જેટલો વધાર થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં થઈ રહેલા વધારાને કારણે કોપરના ભાવમાં વધારો થયો હોવાનું કહેવાઈ રહ્યું છે. ઇન્‍ડસ્‍ટ્રિયલ સુઝમાં પણ કોપરની માંગ વધી છે. જેને લીધે વૈશ્વિક બજારમાં કોપરની માગમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ ઇન્‍ડોનેશિયામાં આવેલી કોપરની માઈન ધસી જતા કોપરનો શોર્ટ સપ્‍લાય ઊભો થયો છે. જ્‍યારે કોપરની ડિમાન્‍ડ સતત વધતી જઈ રહી છે.

ઉધોગકારો ભારે મૂંઝવણમાં

સોના ચાદી અને કોપર સહિતના જરીના રો-મટીરિયલના વધતા ભાવની સીધી અસર ઇન્‍ડસ્‍ટ્રી પર થઈ રહી છે. કારણ કે વેપારીઓને જરીના એક મહિનના ભાવ આપવા પડે છે. આ દરમિયાન રો. મટોરિયલના ભાવમાં વધારો થયો હોય તો પણ આપેલા ભાવમાં જ માલ આપવો પડે છે. આમ એક તરફ કોસ્‍ટિંગ વધી જાય છે. બીજી તરફ માલ ઉધારીમાં આપવો પડે છે. જેને લીધે આર્થિક દબાણ વધતું જાય છે વર્તમાન પરિસ્‍થિતિ જોતા ઓર્ડર લેવા બાબતે ઉદ્યોગકારો ભારે મૂંઝવણ અનુભવી રહ્યા છે.

(10:28 AM IST)