તા. ૨ જાન્યુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૪ શુક્રવાર
News of Thursday, 1st January 2026
આજે પણ રેઈનકોટ સાથે રાખજોઃ રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા
રાજકોટમાં ગતસાંજે વાતાવરણમાં એકાએક પલ્ટો આવ્યા બાદ વરસાદ પડતા માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા : ઠંડી, ગરમી અને વરસાદ...એકસાથે ત્રણ-ત્રણ ઋતુનો અનુભવઃ આને બપોર બાદ છુટાછવાયા સ્થળોએ માવઠાની સંભાવના

રાજકોટઃ નવું વર્ષ ૨૦૨૬ આવકારતા જ ગુજરાતના વાતાવરણમાં ગઈકાલથી પલ્ટો આવ્યો છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ, આજે (૧ જાન્યુઆરી) અને આવતીકાલે રાજ્યના કેટલાક ભાગોમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. ખાસ કીને કચ્છ, બનાસકાંઠા, પાટણ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કમોસમી માવઠાની શક્યતા છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઉત્તર ભારતમાંથી આવતા ઠંડા પવનનો ગુજરાત પર અસર કરશે. આ વરસાદ પછી રાજ્યમાં ઠંડીનો રાઉન્ડ આવી શકે છે. લઘુત્તમ તાપમાનમાં ૩-૫ ડીગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેનાથી કડકડતી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા સહિત મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાશે અને રાત્રે પારો ૧૦-૧૨ ડીગ્રી આસપાસ પહોંચી શકે છે. કૃષિ વિભાગે પણ ખેડૂતોને અપીલ કરી છે કે કાપણી કરેલા પાકને સલામત સ્થળે ખસેડી લે અને વરસાદથી નુકસાન ન થાય તેની તકેદારી રાખે.
દરમિયાન ગઈકાલે રાજ્યના અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડી ગયા બાદ બપોર બાદ રાજકોટ શહેરમાં પણ માવઠુ વરસી ગયું હતું. શહેરમાં ગતસાંજે પાંચેક વાગ્યાની આજુબાજુ એકાએક વાદળો છવાઈ ગયા હતા. ૫:૩૦ની આસપાસ વરસાદ ચાલુ થઈ ગયો હતો. શરૂઆતથી જ વરસાદે જોર પકડી લીધુ હતું. અચાનક વરસાદ તૂટી પડતાં શહેરીજનો પણ અચંબામાં મુકાઈ ગયા હતા અને વરસાદમાં ભીંજાવાથી બચવા સલામત સ્થળે પહોંચી ગયા હતા. અંદાજે એક થી દોઢ કલાક ધીમીધારે વરસાદ સતત ચાલુ રહ્યો હતો. વરસાદના લીધે ઠંડા પવન ફુંકાતા હતા. અનેક જગ્યાએ લાઈટો પણ ગુલ થઈ ગઈ હતી. હવામાન ખાતામાં ગઈકાલે ૭.૭ મી.મી. વરસાદ નોંધાયો હતો. મહત્તમ તાપમાન ગગડીને ૨૯.૮ ડીગ્રીએ પહોંચી ગયું હતું.
આજે સવારે લઘુત્તમ તાપમાન ૧૬.૩ ડીગ્રી નોંધાયું છે. પવનની ગતિ ૬ કિ.મી. છે. આ લખાય છે ત્યારે સવારે તડકો છે. બપોર બાદ વાતાવરણમાં ફરી પલ્ટો આવવાની શક્યતા છે.(૪૦.૨૩)
(10:21 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
