<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 1st January 2026

ઠાકોર સમાજની નવી પહેલ : લગ્નમાં ડીજે-સનરૂફ ગાડીઓ પર પ્રતિબંધ

સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ભપકાદાર ખર્ચને ઘટાડીને તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવા હાકલ : ગેનીબેન ઠાકોરે લેવડાવ્‍યા શપથ : નવા બંધારણના મુખ્‍ય ૧૬ નિયમો અને નિર્ણયો

 

ઓગાડ, તા.૧: બનાસકાંઠાના ઓગાડમાં આગામી ૪ જાન્‍યુઆરીએ યોજાનારા ઠાકોર સમાજના ભવ્‍ય મહાસંમેલન પહેલા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્‍યો છે. ઠાકોર સમાજની મળેલી મહત્‍વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરિવાજોને ડામવા અને દેખાડા પાછળ થતા ખર્ચને રોકવા માટે ૧૬ નવા નિયમો સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્‍યું છે.નવા બંધારણના મુખ્‍ય ૧૬ નિયમો અને નિર્ણયો.

સમાજના ઉત્‍થાન માટે ઘડાયેલા આ બંધારણમાં લગ્ન, મરણ અને અન્‍ય પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચ પર કાપ મૂકવામાં આવ્‍યો છે. લગ્ન પ્રસંગોમાં ડીજે વગાડવા અને સનરૂફ ધરાવતી મોંઘી ગાડીઓ લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્‍યો છે. આ ઉપરાંત સગાઈ, લગ્ન અને મરણ પ્રસંગોમાં થતા ભપકાદાર ખર્ચને ઘટાડીને તે નાણાં શિક્ષણ પાછળ ખર્ચવા હાકલ કરવામાં આવી છે.

જાણો બંધારણમાં કયા નિયમો ઘડાયા?

સગાઈમાં મર્યાદિત સંખ્‍યા : સગાઈના પ્રસંગમાં વર અને કન્‍યા પક્ષ તરફથી કુલ મળીને માત્ર ૨૧ વ્‍યક્‍તિઓ જ હાજર રહી શકશે.

સગાઈની ભેટઃ સગાઈમાં ભેટ તરીકે માત્ર ૧ રૂપિયો રોકડો, નાળિયેર અને એક જોડી કપડાં જ આપવાના રહેશે.

લગ્નનો સમયગાળોઃ આખા વર્ષમાં માત્ર બે માસ (મહા અને વૈશાખ સુદ ૧ થી ૧૫) દરમિયાન જ લગ્નપ્રસંગો યોજી શકાશે.

જાનની મર્યાદાઃ લગ્નમાં જાનની સંખ્‍યા વધુમાં વધુ ૧૦૦ વ્‍યક્‍તિઓ સુધી જ સીમિત રાખવાની રહેશે.

વાહનોની સંખ્‍યાઃ જાનમાં મહત્તમ ૧૧ વાહનો જ લઈ જઈ શકાશે.

બાળકોની ગણતરી : જાનની સંખ્‍યા ગણતી વખતે ૧૦ વર્ષથી ઉપરના તમામ બાળકોને પણ પુખ્‍ત વ્‍યક્‍તિ તરીકે જ ગણવામાં આવશે.

ગાડીઓ પર પ્રતિબંધ : જાનમાં સનરૂફવાળી ગાડીઓ લાવવી કે ગાડીઓની લાંબી કતારો કરી રસ્‍તો રોકવા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.(૨૩.૨૮)

(3:00 PM IST)