News of Thursday, 1st January 2026
નર્મદા ડેમ કેવડીયાના 6 ગામ અસરગ્રસ્તોનો પ્રશ્ન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પાસે પહોંચ્યો
કેવડીયા, ગભાણા, નવાગામની જમીનો વિયર ડેમમાં ડૂબમાં ગઈ હોવા છતાં વળતર મળ્યું નથી:400 ખાતેદારોની નર્મદા યોજનામાં જમીન ગઈ એ પૈકી 148 ખાતેદારો ખેડૂતનો દરજ્જો ગુમાવી ચૂક્યા છે એવા ખાતેદારોની રોજગાર, ધંધા માટે સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે: મુખ્યમંત્રીને રજૂઆત

(ભરત શાહ દ્વારા ) નર્મદા:સરદાર સરોવર નર્મદા ડેમ તથા વિયર ડેમના 6 ગામના અસરગ્રસ્તો અવાર નવાર વળતર અને પડતર માંગણીઓ મુદે રજૂઆત અને આંદોલનો કરતા રહ્યા છે.ત્યારે નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ, અસરગ્રસ્તોનાં પ્રતિનિધિ પૈકીના એક ભાજપના નર્મદા જિલ્લા પંચાયત સભ્ય દિનેશ તડવી, સુરેશ વસાવા સહિત આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે અસરગ્રસ્તોના પ્રશ્નોના નિરાકરણ માટે પહોંચ્યા હતા.
કેવડીયા 6 ગામ અસરગ્રસ્તોનો પ્રશ્ન મુદ્દે ભૂપેન્દ્ર પટેલને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન પ્રોજેક્ટોમાં આ 6 ગામની જમીનો ઉપયોગમાં લીધી હોવા છતાં રોજગારીમાં અમને પ્રાથમિકતા મળતી નથી.આગામી 31 મી ડિસેમ્બર બાદ સ્થાનિક રીક્ષા ચાલકોને સરદાર સરોવર ડેમ સુધી પ્રવેશ ઉપર પ્રતિબંધ જાહેર કરાયો છે, તો બીજી બાજુ ખાનગી એજન્સીની રિક્ષાઓ ચાલુ રહેશે.કેવડીયા, ગભાણા, નવાગામની જમીનો વિયર ડેમમાં ડૂબમાં ગઈ હોવા છતાં વળતર મળ્યું નથી તથા ડૂબમાં જતા અમુક સર્વે નંબરો દર્શાવાયા નથી.અમારા ગામ વિસ્થાપન નહીં પણ વિકાસ ઝંખે છે.અમે દેશ હિતમાં ઘણું બલિદાન આપ્યું છે પણ યોગ્ય વળતર, વિકાસ અને સરકારમાં વિશ્વાસ ઝંખે છે.અગાઉની નક્કી થયેલી પોલિસી "અ, બ, ક" મુજબ ખેડૂતના કબજા વાળી "અ" વિભાગની જમીનો સરકારે રોડ, હોટલો અને પાર્કિંગ માટે છોડી દીધી છે તે જ મુજબ "બ" અને "ક" વિભાગની જમીનો જે તે ખેડૂતોને પરત મળે.ગામતળ/વાડાની જે જમીનો પર ઘર/મકાનો છે તેવા વાડાઓ કે સર્વે નંબરની જમીન જે તે ખેડૂતના વારસદારોના ભવિષ્ય માટે, ગામના ઉપયોગ માટે કાયદાકીય દ્રષ્ટિએ શક્ય હોય તો સરકાર લોકહિતમાં નિર્ણય લે.સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા અન્ય પ્રોજેક્ટો માટે જમીનોનો ભોગ આપનાર પરિવાર આજે પણ પોતાના હક માટે સંઘર્ષ કરે છે, થોડા સમય પેહલા તંત્રએ એમના મકાનો તોડી પાડ્યા છે.
અસરગ્રસ્તોએ રજૂઆતમાં વધુમાં જણાવ્યું હતું કે થોડા સમય પેહલા સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ડિમોલેશન થયું એ તમામ લોકો જમીન ગુમાવનારા હતા, તેઓ છેલ્લા કેટલાયે વર્ષોથી ધંધો કરી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા, આ કેટલા અંશે યોગ્ય.નર્મદા ડેમ, સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન પ્રોજેક્ટો તથા વિયર ડેમ માટે અમારો ભોગ લેવાયો છે.અમે કે અમારા સંતાનો અમારી માતૃભૂમિ પર જીવન ગુજારવા ઇચ્છીએ છીએ વિસ્થાન નથી ઇચ્છતા.રોજગારી, નોકરી કે ધંધા અર્થે અમને પ્રાથમિકતા મળવી જોઈએ.નર્મદા નિગમે જે જમીનનો ઉપયોગ કર્યો છે તેવી જમીન સામે જમીન અથવા હવેથી નક્કી થતી રકમ મળવા પાત્ર હોવી જોઈએ.
6 ગામના અસરગ્રસ્તોએ સીએમને રજૂઆત બાદ નર્મદા કલેક્ટર સાથે બેઠક કરી હતી.જેમાં અસરગ્રસ્તોએ એક સુરે જણાવ્યું હતું કે જમીનનું વળતર પ્રતિ એકર ત્રણ લાખની સામે જમીનો ખરીદી શકીએ તે મુજબ વળતર આપો.કબ્જા હેઠળની જમીનો રેવન્યુ રાહે જે તે ખેડૂતને પરત મળે.દબાણના નામે મકાનો તોડવામાં ન આવે.6 ગામ માટે 2013/14નો જે પરીપત્ર છે તેમાં મોટા પાયે ફેરફાર સુધારા કરવામાં આવે.400 ખાતેદારોની નર્મદા યોજનામાં જમીન ગઈ છે એ પૈકી 148 ખાતેદારો ખેડૂતનો દરજ્જો ગુમાવી ચૂક્યા છે એવા ખાતેદારોની રોજગાર, ધંધા માટે સ્પેશિયલ કેટેગરીમાં સમાવેશ કરવામાં આવે
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
