News of Friday, 2nd January 2026
કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે જસદણના કાળાસરમાં ૩૧.૮૬ લાખના ખર્ચે પાઇપલાઇન તથા ફૂટપાથના કામનું ખાતમુહૂર્ત

(ધર્મેશ કલ્યાણી દ્વારા) જસદણ તા.૨: જસદણ તાલુકાના કાળાસર ગામ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ રૂ. ૩૧.૮૬ લાખના ખર્ચે નિર્માણ પામનારી સ્ટોર્મ વોટર લાઇન અને ફૂટપાથના કામનું ભૂમિનું પૂજન કર્યું હતું. મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, માર્ગ અને મકાન વિભાગ હસ્તકના જસદણ - કાળાસર - ઘેલા સોમનાથ રોડ પર ગામતળમાં સી.સી. રોડની બંને તરફ ફૂટપાથ બનતા રાહદારીઓને અવરજવરમાં સરળતા રહેશે અને પાઇપલાઇન બનતાં વરસાદી પાણીનો નિકાલ થઈ થશે. આગામી દિવસોમાં કોઠી અને સાણથલી ગામમાં પણ આ પ્રકારે વિકાસ કામો થશે. જસદણ અને વિંછીયા પંથકના મોટા ભાગના ગામોમાં સિંચાઈ, પીવાનું પાણી, શિક્ષણ, આરોગ્ય કેન્દ્ર જેવા ક્ષેત્રોમાં વિકાસ કામો થઈ ચૂકયા છે અને અનેક વિકાસ કામો પ્રગતિ હેઠળ છે. આમ, જસદણ-વિંછીયા તાલુકાને વિકસિત વિસ્તાર બનાવવા રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.
તેમણે ઉમેર્યું હતું કે, યુવાનો શાળા-કોલેજ બાદ અભ્યાસ છોડી ન દે અને પોતાની આવડતને વિકસાવીને રોજગારી મેળવી શકે, તે હેતુસર આઇ.ટી.આઇ.માં વર્તમાન સમયની માંગ મુજબ નવા અભ્યાસક્રમો શરૂ કરવાનું આયોજન છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતળત્વ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નાગરિકોની મુશ્કેલીઓ હલ કરવા સતત કાર્યરત છે.
આ કાર્યક્રમનું સંચાલન જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ચંકિતભાઈ રામાણીએ કર્યું હતું. ડેપ્યુટી એન્જીનીયર એમ. આઇ. જાડેજાએ વોટર લાઇન અને ફૂટપાથની વિગત આપી હતી. અગ્રણી શ્રી ડી. વી. સાંકરીયાએ આભારવિધિ કરી હતી. આ તકે અગ્રણીઓ શ્રી ભરતભાઈ ધાધલ, ગોડલધરના સરપંચ અશોકભાઈ ચાઉ અને ગામલોકો ઉપસ્થિત રહ્યાં હતાં.
(11:22 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
