News of Saturday, 3rd January 2026
સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું : મકરસંક્રાંતિ પર ચાઈનીઝ દોરી અને તુક્કલના વેચાણ-ઉપયોગ પર કડક પ્રતિબંધ
જાહેર માર્ગો પર પતંગ ઉડાવવા, લાઉડ સ્પીકર વગાડવા અને ઉશ્કેરણીજનક લખાણો લખવા પર રોક : ૧૬ જાન્યુઆરી સુધી નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે થશે કાયદેસરની કાર્યવાહી

સુરત, તા. 3 જાન્યુઆરી : આગામી મકરસંક્રાંતિ અને ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખીને સુરત શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત દ્વારા જાહેર જનતાની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામા દ્વારા શહેરમાં પતંગબાજીને લગતા વિવિધ પાસાઓ પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, જેથી કોઈપણ પ્રકારની જાનહાનિ કે અકસ્માત નિવારી શકાય.
દોરી અને તુક્કલ પર પ્રતિબંધ:
પોલીસ કમિશનરના આદેશ અનુસાર, નાયલોન, સિન્થેટીક મટીરીયલ કે નોન-બાયોગ્રેડેબલ ચાઈનીઝ દોરીના સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત, લોખંડનો પાવડર કે કાચનો ભૂકો ચઢાવીને બનાવેલી નુકસાનકારક દોરી તેમજ ઓનલાઈન વેચાતા ચાઈનીઝ માંઝા કે પ્લાસ્ટિક દોરી પર પણ રોક લગાવાઈ છે. આકાશમાં ઉડાડવામાં આવતા ચાઈનીઝ સ્કાય લેન્ટર્ન (તુક્કલ) ખરીદવા, વેચવા કે ઉડાડવા પર પણ મનાઈ ફરમાવવામાં આવી છે.
જાહેર સુરક્ષા અને પતંગબાજીના નિયમો:
* સ્થળ: કોઈ પણ વ્યક્તિએ જાનનું જોખમ થાય તે રીતે જાહેર માર્ગો, ફૂટપાથ કે ભયજનક ધાબા પરથી પતંગ ઉડાવી શકાશે નહીં.
* સમય: પક્ષીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સવારના ૦૬:૦૦ થી ૦૮:૦૦ વાગ્યા દરમિયાન પતંગ ઉડાવવા પર પ્રતિબંધ રહેશે.
* અન્ય પ્રવૃત્તિ: કપાયેલી પતંગ કે દોરી પકડવા દોડવા પર તેમજ લોકોની લાગણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો પતંગ પર લખીને ઉડાડવા પર પણ રોક છે.
ધ્વનિ પ્રદૂષણ અને અમલીકરણ:
તહેવાર દરમિયાન લોકોને ત્રાસ થાય તે રીતે ખૂબ જ મોટા અવાજમાં લાઉડ સ્પીકર વગાડવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ જાહેરનામાનો અમલ તા. ૫ જાન્યુઆરી થી ૧૬ જાન્યુઆરી ૨૦૨૬ સુધી સુરત પોલીસ કમિશનરની હદમાં આવતા તમામ વિસ્તારોમાં કરવામાં આવશે. આ નિયમોનો ભંગ કરનાર કે ઉલ્લંઘન કરનાર વ્યક્તિ પોલીસ દ્વારા શિક્ષાત્મક અને કાયદેસરની કાર્યવાહીને પાત્ર ઠરશે.
(3:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
