<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 4th January 2026

ગુજરાતનો અભયારણ્યોમાં લાખો યાયાવર પક્ષીઓનું આગમનઃ નળ સરોવર અને ખિજડીયામાં પક્ષીઓનો મહાકુંભ

વિશ્‍વની ૯ હજારમાંથી ૧ર૦૦ જેટલી ભારતમાં અને ૪૦૦ થી વધુ પ્રજાતિઓ ગુજરાતની મહેમાન બને છે

અમદાવાદઃ વિશ્વમાં જોવા મળતી 9,000 પક્ષીઓની પ્રજાતિઓમાંથી 1,200 જેટલી પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે, જે પૈકી 400થી વધુ વિદેશી પ્રવાસી પંખીઓ દર વર્ષે ગુજરાતની મુલાકાતે આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી તરીકે જે સંરક્ષણની નિવ નાખી હતી, તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મક્કમતાથી આગળ વધારી રહ્યા છે. વન મંત્રી અર્જુન મોઢવાડિયાના માર્ગદર્શન હેઠળ ગુજરાત આજે પક્ષીઓ માટે દેશનું સૌથી સુરક્ષિત રાજ્ય બન્યું છે.
વર્ષ 2024-25ની ગણતરી મુજબ રાજ્યના મુખ્ય પક્ષી અભયારણ્યોમાં પક્ષીઓની સંખ્યા આશ્ચર્યજનક રીતે વધી છે: જેમા નળ સરોવરમાં 4.12 લાખ અને થોળમાં 55,587 મળી કુલ 4.67 લાખ પક્ષીઓ નોંધાયા છે. નળ સરોવર 2012થી 'રામસર સાઈટ' તરીકે વૈશ્વિક ઓળખ ધરાવે છે. જામનગરના ખિજડીયામાં 334 પ્રજાતિઓના અંદાજે 3.09 લાખ પક્ષીઓ નોંધાયા છે. વડોદરા નજીક વઢવાણામાં યાયાવર અને સ્થાનિક મળી કુલ 54,000 થી વધુ પક્ષીઓ કિલ્લોલ કરી રહ્યા છે.  2023ની ગણતરી મુજબ રાજ્યમાં મોરની વસ્તી 2.85 લાખથી વધુ થઈ છે.
સપ્ટેમ્બર 2025માં કચ્છમાં હાથ ધરાયેલ ‘પેસેજ માઇગ્રન્ટ કાઉન્ટ’માં 17 રાજ્યોના 200 પક્ષીપ્રેમીઓએ ભાગ લીધો હતો. આ સર્વેમાં 250થી વધુ પ્રજાતિઓ નોંધાઈ છે. કચ્છનો વિસ્તાર એશિયાથી આફ્રિકા તરફ જતા પક્ષીઓ માટે અરબી સમુદ્ર ઓળંગતા પહેલા ખોરાક અને શક્તિ મેળવવાનું મહત્વનું કેન્દ્ર છે. અહીં 1,577 યુરોપિયન રોલર અને અન્ય દુર્લભ પ્રજાતિઓ નોંધાઈ છે.

(12:42 PM IST)