News of Sunday, 4th January 2026
દાહોદમાં 13 વર્ષીય બાળકી સાથે કૌટુંબિક કાકાનું દુષ્કર્મ: નરાધમની ધરપકડ
પિડીતાની હાલત ગંભીર બનતા હોસ્પીટલમાં દાખઃ ચોતરફથી ફિટકાર

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં માનવતાને શરમાવે તેવી ગંભીર ઘટના સામે આવી છે.મામાના ઘરે છોડવાની લાલચ આપી એક 13 વર્ષીય નાબાલિક કિશોરીને જંગલ–ડુંગર વિસ્તારમાં લઈ જઈ તેના કુટુંબી કાકાએ જ દુષ્કર્મ આચર્યું હોવાનો ગંભીર આરોપ સામે આવ્યો છે. ઘટના બાદ પીડિતાની હાલત ગંભીર બનતાં તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યારે સંજેલી પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો છે.
સંજેલી તાલુકાના કલ્યાણપુર ગામ નજીક આવેલા જંગલ અને ડુંગર વિસ્તારમાં આ અમાનવીય ઘટના ઘટી હોવાનું સામે આવ્યું છે. સંજેલીના પિછોડા નાળ ફળિયામાં રહેતો 24 વર્ષીય સુભાષભાઈ રમેશભાઈ સંગાડા નાબાલિક કિશોરીને “મામાના ઘરે છોડી દઈશ” તેવી લાલચ આપી ઘરેથી લઈ ગયો હતો. પરિવારજનોને કોઈ શંકા ન જાય તે રીતે કિશોરીને વિશ્વાસમાં લઈ આરોપીએ તેને ગામની બહાર લઈ જઈ એકાંત જંગલ વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે.
ઘટનાના સમયે પીડિતા માત્ર 13 વર્ષની નાબાલિક હોવાનું જાણવા મળ્યું છે. દુષ્કર્મ દરમિયાન કિશોરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેની હાલત બગડતાં પરિવારજનો દ્વારા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે અને ડોક્ટરો દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે.આ ઘટનાથી પીડિતાનો પરિવાર તેમજ સમગ્ર વિસ્તાર આઘાતમાં છે.
આ મામલે પીડિતાના પિતાની ફરિયાદના આધારે સંજેલી પોલીસ મથકમાં પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદ નોંધાતાની સાથે જ જિલ્લા પોલીસ વડા અને ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ ખાસ પોલીસ ટીમની રચના કરી તપાસ શરૂ કરવામાં આવી.પોલીસે ગુપ્ત માહિતી અને ઝડપી તપાસના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપી સુભાષભાઈ રમેશભાઈ સંગાડાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે.હાલ આરોપીની કડક પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે.
આ ગંભીર ઘટનાને લઈને સંજેલી તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં લોકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકો આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ કરી રહ્યા છે.પોલીસ તંત્રએ પણ સ્પષ્ટ જણાવ્યું છે કે નાબાલિકો સામેના ગુનાઓમાં શૂન્ય સહનશીલતાની નીતિ અપનાવવામાં આવી છે. પીડિતાને ન્યાય અપાવવા માટે તમામ કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને આવા ગુનાઓ કરનારને કોઈ પણ રીતે છોડવામાં નહીં આવે..
(4:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
