News of Monday, 5th January 2026
સુરેન્દ્રનગરના સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને સાથીદારોની અપ્રમાણસર મિલકતોનો પર્દાફાશ કરવા એસીબી મેદાનમાં : આખરે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના
એસીબી વડા પિયુષ પટેલની જાહેરાતથી મહેસૂલ વિભાગમાં ફફડાટ : એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરેના વડપણ હેઠળ, કચ્છ બોર્ડર ભુજના મદદનીશ નિયામક કૃષ્ણકુમારસિંહ ગોહિલ અને મોરબી ACB PI પી એ . દેકાવાડિયા સહિત 6 સભ્યોની નિમણૂક

રાજકોટ : સુરેન્દ્રનગરના પૂર્વ કલેક્ટર રાજેન્દ્રકુમાર એમ. પટેલ વિરુદ્ધ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના ગંભીર કેસોમાં રાજ્ય સરકાર અને એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ તપાસનો ગાળિયો વધુ કડક બનાવ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા IAS રાજેન્દ્ર પટેલની ધરપકડ બાદ તેમને રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હવે, આ અધિકારી અને તેમના સ્ટાફની અપ્રમાણસર મિલકતોની ઝીણવટભરી તપાસ કરવા માટે એસીબી વડા પિયુષ પટેલે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ની રચના કરી છે, જેનાથી મહેસૂલ વિભાગના ભ્રષ્ટ તત્વોમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
SIT ની રચના અને તપાસના આદેશ:
એસીબીના નિયામક પિયુષ પટેલ દ્વારા કરવામાં આવેલી જાહેરાત મુજબ, સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળના ગુનાઓની તટસ્થ, નિષ્પક્ષ અને ઝડપી તપાસ માટે આ એસ.આઈ.ટી. (S.I.T.) કાર્ય કરશે. આ તપાસનું નેતૃત્વ એડિશનલ ડાયરેક્ટર બિપિન આહિરે સંભાળશે. ટીમમાં મહેસૂલ અધિકારીઓ અને સ્ટાફ દ્વારા વસાવવામાં આવેલી અપ્રમાણસર મિલકતોની શોધખોળ કરવામાં આવશે.
S.I.T. ના મુખ્ય સભ્યોની યાદી:
૧. બિપિન આહિરે: એડિશનલ ડાયરેક્ટર (અધ્યક્ષ)
૨. બી.જે. પંડ્યા: નાયબ નિયામક, વહીવટ એસીબી, અમદાવાદ (સભ્ય)
૩. કે.એચ. ગોહિલ (કૃષ્ણકુમારસિંહ): ઈ.ચા. મદદનીશ નિયામક, રાજકોટ/ભુજ એસીબી (સભ્ય)
૪. આર.બી. દેસાઈ: મદદનીશ નિયામક, એસીબી મુખ્ય મથક, અમદાવાદ (સભ્ય)
૫. ડી.એન. પટેલ: પોલીસ ઇન્સ્પેક્ટર, અમદાવાદ શહેર એસીબી (સભ્ય)
૬. એમ.ડી. પટેલ: પોલીસ ઇન્સ્પેક્ટર, સુરેન્દ્રનગર એસીબી (સભ્ય)
૭. પી.એ. દેકાવાડિયા: પોલીસ ઇન્સ્પેક્ટર, મોરબી એસીબી (સભ્ય)
તપાસનો વ્યાપ અને આરોપીઓ:
આ તપાસમાં માત્ર રાજેન્દ્ર પટેલ જ નહીં, પરંતુ તેમની સાથે સંકળાયેલા અન્ય કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. ગુનામાં નોંધાયેલ આરોપીઓમાં નાયબ મામલતદાર ચંદ્રસિંહ મોરી, કલેક્ટર કચેરીના ક્લાર્ક મયુર ગોહિલ અને કલેક્ટરના પી.એ. જયરાજસિંહ ઝાલાનો સમાવેશ થાય છે. આ તમામ વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
IAS રાજેન્દ્ર પટેલનું સસ્પેન્શન:
ઉલ્લેખનીય છે કે, ED દ્વારા મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ રાજેન્દ્ર પટેલની ૨ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેઓ ૪૮ કલાકથી વધુ સમય સુધી પોલીસ કસ્ટડીમાં હોવાથી રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા ઓલ ઇન્ડિયા સર્વિસીસ નિયમો હેઠળ તેમને ફરજ પરથી મોકૂફ (સસ્પેન્ડ) કરી દેવાયા છે. હવે એસીબીની આ નવરચિત ટીમ તેમની મિલકતોની તપાસ કરી કાયદાકીય ગાળિયો વધુ મજબૂત બનાવશે.
(8:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
