<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

તાપીના કુકરમુંડા ગામે બે જૂથ વચ્ચે અથડામણ પથ્થરમારામાં 7 લોકો ઘવાયા: વાહનોને નુકસાન

બાઈક ચાલક સાથે સામાન્ય બોલાચાલી બાદ મામલો બિચક્યો :ગંભીર ઈજા પામેલાને મહારાષ્ટ્રની નંદૂરબાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા જ્યારે અન્યોને નિઝર ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા

તાપી જિલ્લાના છેવાડે આવેલા કુકરમુંડા ગામે સાવ નજીવી વાતે બે જૂથ વચ્ચે અથડામણ ફાટી નીકળી હતી. આ જૂથ અથડામણમાં કરાયેલા પથ્થરમારાથી ઓછામાં ઓછા સાતથી આઠ લોકોને ઈજા પહોંચી હતી. જેમા ગંભીર ઈજા પામેલાને મહારાષ્ટ્રની નંદૂરબાર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અન્યોને નિઝર ખાતેની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા.

દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના છેવાડે આવેવા ગામ કુકરમુંડા ખાતે, બાઈક ચાલક સાથે સામાન્ય બોલાચાલી થવા પામી હતી. બોલાચાલી દરમિયાન બે જૂથના લોકો વચ્ચે એકાએક ધક્કામુક્કી થવા પામી હતી. જેમાં કેટલાકે પથ્થરમારો શરૂ કર્યો હતો. જોત જોતામાં કુકરમુંડાના ખટીક ફળિયામાં બે જૂથના ટોળ સામસામે આવી ગયા હતા. બન્ને જૂથના લોકોએ ભારે પથ્થરમારો કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા સાતથી આઠ લોકોને ઈજા પહોચી હતી. પથ્થરમારને કારણે, પાર્ક કરેલા વાહનોને પણ ભારે નુકસાન થવા પામ્યું હતું.

કુકરમુંડામાં જૂથ અથડામણ ફાટી નીકળી હોવાના અહેવાલ પોલીસ પાસે પહોંચતા જ જિલ્લા પોલીસ વડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તાપી પોલીસે બન્ને જૂથના લોકોને વિખેરીને સ્થિતિ થાળે પાડી હતી. ત્યાર બાદ બન્ને જૂથના લોકોની અટકાયત કરી હતી. હાલમાં સ્થિતિ સંપૂર્ણ કાબૂમાં હોવાનું તાપી પોલીસે જણાવ્યું હતું. જો કે, સાવચેતીના ભાગરૂપે કુકરમુંડામા પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે

(1:27 PM IST)