<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th January 2026

વિરમગામ અને ધોળકામાં NDRF દ્વારા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને અપાઈ જીવનરક્ષક તાલીમ

NDRFના 'શાળા સલામતી' કાર્યક્રમમાં ભૂકંપ અને પૂર જેવી આફતોમાં સ્વબચાવના પાઠ શીખવવામાં આવ્યા‌ : CPR ટ્રેનિંગથી લઈ અગ્નિશમન સુધીની કામગીરીનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન યોજાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર અને 6J 6BN NDRFની ટીમ દ્વારા સંયુક્ત રીતે તાજેતરમાં વિરમગામ અને ધોળકા તાલુકાના વિવિધ વિસ્તારોમાં આપત્તિ વ્યવસ્થાપન અંગેના વિશેષ તાલીમ કાર્યક્રમો સફળતાપૂર્વક યોજાયા હતા. આ અભિયાન અંતર્ગત ગત તા. 02 થી 04 જાન્યુઆરી, 2026 દરમિયાન વિરમગામ તાલુકામાં અને તા. 05 થી 07 જાન્યુઆરી, 2026 દરમિયાન ધોળકા તાલુકામાં શાળા સલામતી પ્રોગ્રામ અને જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોનો મુખ્ય ઉદ્દેશ્ય કુદરતી કે માનવસર્જિત આપત્તિઓ સમયે નાગરિકો અને વિદ્યાર્થીઓ પોતાની સુરક્ષા જાતે કરી શકે તે માટે સજ્જ કરવાનો હતો.
વિરમગામ તાલુકાની પ્રાથમિક શાળા ધાનેતા, નાની કિશોલ અને રૂપાવટી તેમજ ધોળકાની પ્રાથમિક શાળા સરોડા અને ચંડીસર ખાતે NDRFની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, વિરમગામના હઠીલાવાડી વોર્ડ નં. 07 અને નીચાણવાળા વિસ્તારોમાં ગ્રામજનો માટે ખાસ કેમ્પનું આયોજન કરી આપત્તિના સમયે લેવાતા સાવચેતીના પગલાંઓનું જીવંત પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
NDRFના ટીમ કમાન્ડર અરૂણકુમાર શર્મા અને તેમની ટીમ દ્વારા આ દરમિયાન ભૂકંપ સુરક્ષા, સી.પી.આર. (CPR) અને શ્વાસ રોકાવાની સ્થિતિ (FBAO) માં જીવનરક્ષક સારવાર કેવી રીતે આપવી તેનું પ્રાયોગિક જ્ઞાન પૂરું પાડવામાં આવ્યું હતું. વધુમાં, રક્તસ્ત્રાવ નિયંત્રણ, અસ્થિભંગ સમયે સ્પ્લિન્ટ્સનો ઉપયોગ, ઈમ્પોવાઈઝ્ડ સ્ટ્રેચરની મદદથી દર્દીનું સ્થળાંતર, પૂર જેવી સ્થિતિમાં ઘરગથ્થુ વસ્તુઓથી ફ્લોટિંગ ડિવાઈસ બનાવવા અને આગ લાગે ત્યારે અગ્નિશામક સાધનોના ઉપયોગ વિશે ઝીણવટભરી સમજ આપવામાં આવી હતી. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌને સરકારની 'આપત્તિ એપ્લિકેશન' વિશે માહિતગાર કરી ટેકનોલોજીના માધ્યમથી સુરક્ષિત રહેવા અપીલ કરવામાં આવી હતી. ગ્રામજનો અને શાળા પરિવારે NDRFની આ કામગીરીને બિરદાવી હતી અને આપત્તિ સમયે ગભરાવાને બદલે સમજદારીપૂર્વક કાર્ય કરવાની પ્રેરણા મેળવી હતી.
આ તાલીમ શિબિરોમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકગણ અને સ્થાનિક ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

(9:57 PM IST)