News of Friday, 9th January 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વસતી ગણતરી અવરોધ સર્જશે
વસતી ગણતરીને લીધે ચૂંટણી પાછળ ધકેલાઈ શકે : ફેબ્રુઆરીમાં બજેટ સત્ર, એપ્રિલમાં વસતી ગણતરી દાવેદારોને પાલિકાની ચૂંટણીની રાહ જોવી પડશે

અમદાવાદ,તા.૦૯: સરની કામગીરી આટોપી લેવાઈ છે અને હવે ફાઈનલ મતદાર યાદી માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હવે ગુજરાતની વસતી ગણતરી માટે સરકારે કવાયત આદરી છે ત્યારે ફરી એકવાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં અવરોધ ઉભો થાય તેવી શક્યતા જોવાઇ રહી છે.
પાટનગર ગાંધીનગરમાં વસતી ગણતરી માટે બેઠકોનો દોર શરૂ થયો છે. એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ગુજરાતમાં વસતી ગણતરી શરૂ થાય તેવો અંદાજ છે. આ તરફ, ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થઈ જશે. આ વખતે ઇતિહાસનું સૌથી લાંબુ બજેટ સત્ર હોઈ શકે છે કેમકે, ૪૦થી વધુ બેઠકોનું આયોજન ગોઠવાયુ છે. અત્યારે બધા સરકારી વિભાગો બજેટની તૈયારીમાં લાગી પડ્યાં છે.
આ ઉપરાંત અત્યારે રીજીયોનલ વાઇબ્રન્ટ ગુજરાતમાં સરકાર વ્યસ્ત છે આ બધાય પાસાંઓને જોતાં સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ એપ્રિલ પછી યોજાય તેવી શક્યતા જોવાઈ રહી છે. ચૂંટણી લડવા ઉત્સુક દાવેદારોએ હજુ રાહ જોવી પડે તેમ છે. હવે આખરી મતદાર યાદી ક્યારે જાહેર થાય તેના પર બધું નિર્ભર છે. રાજ્ય ચૂંટણી પંચ હજુ એકાદ બે મહિના સમય લેશે કેમકે, હજુ લાખો મતદારોનું મેપિંગ થઇ શક્યુ નથી. મતદારોને નોટિસ આપી પુરાવા માંગવામાં આવી રહ્યાં છે. આમ, વસતી ગણતરી, બજેટ સત્રને લીધે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પાછી ધકેલાય તો નવાઈ નહી.
(10:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
