<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

હવે પોલીસ અધિકારીઓને પણ ‘વન ડે વન ડિસ્‍ટ્રીક્‍ટ': DGP ડો. રાવની પહેલ

જિલ્‍લા સ્‍તરે પોલીસ વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવવા પ્રયાસ : દરરોજ એક જિલ્‍લાના SP અને રેન્‍જ આઇજી સાથે રાજ્‍યના પોલીસ વડાની અધ્‍યક્ષતામાં બેઠક યોજાશે

અમદાવાદ તા.૯: ગુજરાતમાં જિલ્‍લા સ્‍તરે પોલીસ વ્‍યવસ્‍થાને વધુ મજબૂત બનાવવાના ઉદેશથી અને સ્‍થાનિક સ્‍તરે જમીની હકીકતોને સીધી રીતે સમજવા માટે રાજ્‍ય પોલીસ વડા છે. કે.એલ.એન. રાવ દ્વારા વન ડે વન ડિસ્‍ટ્રીક્‍ટની એક નવી પહેલ શરૂ કરાઈ છે.

રાજ્‍ય પોલીસ વડા ડો. કે.એલ.એન રાવ દ્વારા સંબંધિત જિલ્‍લાના પોલીસ અધિક્ષક (SP) તથા રેન્‍જના ઇન્‍સ્‍પેક્‍ટર જનરલ (IGP) સાથે સીધી બેઠક યોજવામાં આવશે, જેથી જિલ્‍લાના વિશિષ્ટ પોલીસિગ સંબંધિત જરૂરિયાતો અને પડકારોને પ્રત્‍યક્ષ રીતે સમજી શકાય. જિલ્‍લાની હકીક્‍તોને આધારે નીતિગત નિર્ણય અને સંસાધનોનું આયોજન થાય તે આ પહેલનો મુખ્‍ય ઉદ્દેશ છે.

આ બેઠકો દરમિયાન જિલ્‍લાના ભૌગોલિક પરિસ્‍થિતિને અનુકૂળ વિશેષ વાહનોની જરૂરિયાત, પોલીસ કર્મચારીઓ માટે રહેણાંક તથા બિન રહેણાંક માળખા સંબંધિત પડકારો, માનવ સંસાધનની પૂરતી ઉપલબ્‍ધતા, પોલીસ સ્‍ટેશન આઉટપોસ્‍ટ/બીટની રચનામાં ફેરફારની જરૂરિયાત તેમજ અન્‍ય ખાસ મુદ્દાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવે છે. ઉપરાંત, દરેક જિલ્‍લામાં અમલમાં મૂકાયેલી એક બેસ્‍ટ પ્રેક્‍ટિસ અંગે ચર્ચા કરવામાં આવશે, જેને રાજ્‍યભરમાં અમલમાં મૂકી શકાય તેની શક્‍યતા પણ પરખવામાં આવશે. જિલ્‍લાની સ્‍થિતિ અને જરૂરિયાતોના મૂલ્‍યાંકન બાદ રાજ્‍યના પોલીસ વડા દ્વારા પોલીસ મુખ્‍યાલયની સંબંધિત શાખાઓને જરૂરી દિશાનિર્દેશ અપાશે. જેથી સમયસર સમસ્‍યાઓનો ઉકેલ લાવી શકાય.

પહેલનો પ્રારંભઃ ડાંગ-આહવા જિલ્‍લામાં બેઠક થઈ

આ પહેલ અંતર્ગત ગઇકાલે ડાંગ-આહવા જિલ્‍લાના પોલીસ અધિક્ષક સાથે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જિલ્‍લાના વિશિષ્ટ મુદ્દાઓ, જરૂરિયાતો તથા શ્રેષ્ઠ પ્રથાઓ અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં વાહન તથા IT ઇન્‍ફ્રાસ્‍ટ્રકચર સંલગ્ન જરૂરિયાતોનું નિરાકરણ કરવામાં આવ્‍યું હતું.

 

(10:43 AM IST)