<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 9th January 2026

ગાંધીનગરના દહેગામના સુજાના મુવાડામાં 8 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત

ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પાણીની તપાસ અને સુપર ક્લોરીનેશનની સૂચના અપાઈ છે. 8500 ઘરોમાં સર્વે હાથ ધરાયો

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સુજાના મુવાડા ગામમાં એક 8 વર્ષીય બાળકનું શંકાસ્પદ મોત નીપજતા સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટનાને ગંભીરતાથી લઈને ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર સહિત રિઝ્યોનલ પ્રાદેશિક કમિશનર તાત્કાલિક દહેગામ દોડી આવ્યા હતા અને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. કિશોરના મોત પાછળ પાણીજન્ય રોગચાળો કારણભૂત હોવાની આશંકા વચ્ચે તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. 

  આરોગ્ય વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારના રોગચાળાને ફેલાતો અટકાવવા માટે દહેગામ શહેર અને તાલુકાના અંદાજે 8500 થી વધુ ઘરોનો સઘન સર્વે હાથ ધરવામાં આવ્યો છે. ખાસ કરીને તાવ અને ટાઈફોઈડના શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓની ચકાસણી કરવામાં આવી રહી છે. સર્વે દરમિયાન દહેગામની પોલીસ લાઈન અને રાવળવાસ વિસ્તારમાંથી બે શંકાસ્પદ કેસ મળી આવ્યા હતા. જોકે, રાહતના સમાચાર એ છે કે, તેમના ટાઈફોઈડ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

  

ઘટના બાદ પાણીના નમૂનાઓની ચકાસણી કરવામાં આવી છે. પ્રાદેશિક કમિશનર અને આરોગ્ય અધિકારીઓએ દહેગામ પાલિકા તંત્રને સૂચના આપી છે કે, દહેગામ શહેરના તમામ વિસ્તારોમાં ફરજિયાતપણે સુપર ક્લોરીનેશનયુક્ત શુદ્ધ પાણી પૂરૂં પાડવામાં આવે. પાણીજન્ય રોગચાળો માથું ન ઉંચકે તે માટે પાણીની પાઈપલાઈનોમાં લીકેજ અને સ્વચ્છતાની પણ તપાસ કરવામાં આવી રહી છે.

(8:25 PM IST)