<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 12th January 2026

મેડિકલ સહિતના ૪ કોર્સને બદલે ૬ કોર્સમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ NEET આપવી પડશે

નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્‍થકેર પ્રોફેશનલ દ્વારા NTAને વધારે બે કોર્સ માટે નીટ લેવા ભલામણ કરાઈ : ફિઝિયોથેરાપી-ઓક્‍યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે નીટનો સ્‍કોર નહીં ગણાય, માત્ર હાજરી જરૂરી : મેડિકલ, ડેન્‍ટલ, હોમિયોપેથી અને આયુર્વેદ બાદ હવે ફિઝિયોથેરાપી અને ઓક્‍યુપેશનલ થેરાપી માટે પણ નીટ લાગુ

અમદાવાદ,તા.૧૨: ધો.૧૨ પછી મેડિકલ સહિતના ચાર કોર્સમાં પ્રવેશ માટે હાલમાં નીટ લેવામાં આવેછે. આગામી વર્ષે ચાર કોર્સ ઉપરાંત વધારા બે કોર્સ ફિઝિયોથેરાપી અને ઓક્‍યુપેશનલ થેરાપીમાં પણ નીટના આધારે જ પ્રવેશ ફાળવાશે. આ માટે તાજેતરમાં નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્‍થકેર પ્રોફેશનલ દ્વારા નીટ લેનારી સંસ્‍થા નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સીને આ માટેની ભલામણ કરી છે. આમ, હવે નીટના માધ્‍યમથી કુલ ૬ કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવશે.

નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી (NTA) દ્વારા વિવિધ એક્‍ઝામનું સંચાલન કરવામાં આવે છે. ધો.૧૨ સાયન્‍સ પછી મેડિકલ, ડેન્‍ટલ, હોમિયોપેથી અને આયુર્વેદ એમ, ચાર કોર્સ માટે ખાસ NEET એટલે કે નેશનલ એલિજાિબિલિટી એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ લેવામાં આવે છે. તાજેતરમાં નેશનલ કમિશન ફોર એલાઈડ હેલ્‍થકેર પ્રોફેશનલ દ્વારા નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સીને એક પત્ર લખવામાં આવ્‍યો છે, જેમાં એવી ભલામણ કરવામાં આવી છે કે, હાલમાં મેડિકલ, ડેન્‍ટલ, હોમિયોપેથી અને આયુર્વેદ જેવા ચાર કોર્સમાં પ્રવેશ માટે નીટ લેવામાં આવે છે તેમાં બે કોર્સ ફિઝિયોથેરાપી અને ઓક્‍યુપેશનલ ઘેરાપીનો ઉમેરો કરવામાં આવે. એટલું જ નહીં ફિઝિયોથેરાપી કરવા માટે ધો.૧૨માં ફિઝિક્‍સ, કેમેસ્‍ટ્રી કે બાયોલોજી (બોટની કે ઝુઓલોજી) જેવા વિષયમાં ૫૦ ટકા એગ્રીગેટ માર્કસ જરૂરી છે. અનામત કેટેગરીના વિદ્યાર્થીઓ માટે ૪૦ ટકા માર્કસ જરૂરી છે. વિદ્યાર્થી જે તે વર્ષે નેશનલ ટેસ્‍ટિંગ એજન્‍સી દ્વારા લેવામાં આવતી નીટમાં ઉપસ્‍થિત રહ્યો હોય તે જરૂરી છે. આ વિદ્યાર્થી નીટમાં કેટલા માર્કસ લાવે તે જરૂરી નથી. માત્ર નીટ આપી હશે તો પણ તેને માન્‍ય ગણવામાં આવશે. આજ નિયમો ઓક્‍યુપેશન થેરાપીમાં પ્રવેશ માટે લાગુ પડશે. આમ, આ બન્ને કોર્સમાં નીટના આધારે પ્રવેશ ફાળવવામાં નહીં આવે પરંતુ નીટ આપી હોય તે જરૂરી છે. આ સિવાય પ્રવેશના ધારાધોરણો પણ જાહેર કરવામાં આવ્‍યા છે. આમ, હવે મેડિકલ પ્રવેશ સમિતિએ મેડિકલ, આયુર્વેદ, હોમિયોપેથી અને ડેન્‍ટલની સાથે સાથે ફિઝિયોથેરાપી અને ઓક્‍યુપેશનલ થેરાપી મળીને કુલ છ કોર્સ માટે પ્રવેશ પ્રક્રિયા કરવાની રહેશે. રાજ્‍યમાં હાલમાં ફિઝિયોથેરાપી અને ઓક્‍યુપેશનલ થેરાપીની પ્રવેશ કાર્યવાહી પેરા મેડિકલ પ્રવેશ સમિતિ દ્વારા કરવામાં આવે છે. હવે પેરા મેડિકલ કમિટી દ્વારા નર્સિગ સહિતના બાકી રહેતાં કોર્સ માટે જ કાર્યવાહી હાથ ધરાશે.

 ધો.૧૨માં ૫૦%થી ફિઝિયોથેરાપીમાં પ્રવેશ માટે મુશ્‍કેલી થશે

નેશનલ કમિશન ફોર એલાઇડ હેલ્‍થકેર પ્રોફેશનલ દ્વારા ફિઝિયોથેરાપી અને ઓક્‍યુપેશનલ થેરાપીમાં પ્રવેશ માટે નીટ લાગુ કરવાની સાથે સાથે ધો.૧૨માં ૫૦ ટકા માર્કસ ફરજિયાત કરવામાં આવ્‍યા છે. હાલમાં વિદ્યાર્થીએ નીટ આપી ન હોય અને ધો.૧૨માં ૫૦ ટકા ન હોય તો પણ કેટલીક કોલેજમાં ફિઝિયોથેરાપીમાં પ્રવેશ મેળવીને અભ્‍યાસ કરી શકે છે. હવે પછી ફિઝિયોથેરાપીમાં પ્રવેશ માટે ઘો.૧૨માં ૫૦ ટકા ફરજિયાત લાવવા પડશે. એટલું જ નહીં નીટની ફી ભરીને એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ પણ આપવી પડશે. સૂત્રો કહે છે કે, હાલની સ્‍થિતિમાં પણ ફિઝિયોથેરાપીને અનેક કોલેજમાં બેઠક ખાલી પડી રહી છે. નવા નિયમ લાગુ કર્યા બાદ વિદ્યાર્થી-વાલીઓની મુશ્‍કેલીઓ વધશે અને બેઠકો વધારે ખાલી પડશે.

(10:16 AM IST)