News of Wednesday, 14th January 2026
ઉતરાયણના પર્વમાં લોહિયાળ ઘટનાઓ: બપોર સુધીમાં અરવલ્લીમાં દોરીથી કિશોરનું ગળું કપાતા મોત, મોરબી અને અમદાવાદમાં ધાબેથી પટકાતા જિંદગીઓ હોમાઈ મકરસંક્રાંતિની મજા માતમમાં ફેરવાઈ
બાયડના ચોઈલા ગામમાં ટુ-વ્હીલર સવાર કિશોરનું ગળું કપાતા કરૂણ મોત, મોરબીમાં ૧૧મા માળેથી નીચે પટકાતા સગીરાનું મૃત્યુ અને ભાવનગરમાં ટ્યુશન જતા વિદ્યાર્થીને ગળામાં દોરી વાગતા ગંભીર ઈજા

ગુજરાતભરમાં મકરસંક્રાંતિ ૨૦૨૬ના પર્વની ઉજવણી ચાલી રહી છે, ત્યારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી પતંગની દોરી અને ધાબેથી પડી જવાને કારણે ગંભીર અકસ્માતો અને મોતના બનાવો સામે આવ્યા છે. પતંગોત્સવના રંગમાં ભંગ પાડતી આ ઘટનાઓએ અનેક પરિવારોમાં શોકનું મોજું ફેલાવી દીધું છે.
અરવલ્લીમાં કિશોરનું મોત: અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ચોઈલા ગામમાં એક હૃદયદ્રાવક ઘટના બની છે. અહીં ૧૭ વર્ષીય સગીર પોતાના મોપેડ પર જઈ રહ્યો હતો ત્યારે અચાનક પતંગની કાતિલ દોરી તેના ગળામાં ફસાઈ ગઈ હતી. દોરી ગળાના ભાગે એટલી ઊંડે ઉતરી ગઈ હતી કે ગંભીર ઈજા થવાને કારણે ઘટનાસ્થળે જ તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે મૃતકના પરિવાર અને ગામમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.
મોરબીમાં ૧૧મા માળેથી સગીરા પટકાઈ: મોરબીના રવાપર ઘુનડા રોડ પર આવેલા 'કસોરા ઈલેવન' નામના એપાર્ટમેન્ટમાં પણ એક કરુણ ઘટના બની છે. અહીં ૧૧મા માળેથી દેવાંગી માલાસણા નામની સગીરા નીચે પટકાતા તેનું મોત નીપજ્યું છે. આ બનાવથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. મોરબી એ-ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદમાં યુવકનું મોત: અમદાવાદના ખોખરા વિસ્તારમાં નાથાભાઈ એસ્ટેટ ખાતે પતંગ ચગાવતી વખતે દૂદકુમાર સરદાર નામનો યુવક અકસ્માતે ધાબા પરથી નીચે પટકાયો હતો. પગ લપસી જવાથી તે સીધો નીચે પડ્યો હતો અને તેને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.
ભાવનગરમાં વિદ્યાર્થી ઈજાગ્રસ્ત: ભાવનગરના ભરતનગર વિસ્તારમાં પણ ટ્યુશન જઈ રહેલા એક કિશોરના ગળામાં પતંગની દોરી આવી જતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. તેને તાત્કાલિક સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ગીર સોમનાથના તાલાલામાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વેચતા એક શખ્સની પોલીસે ધરપકડ કરી છે અને જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો છે.
(3:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
