<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

મારા સાસુ અને પત્ની મને જીવવા દેતી નથી : અડાલજ નજીક પરિવારની નજર સામે આધેડે કેનાલમાં ઝંપલાવી આપઘાત કર્યો

એક આધેડે પોતાના ભાઈને વીડિયો કોલ કર્યો, ફોન ઉપાડતાની સાથે જ આધેડ રડી પડ્યા. દુઃખ સાથે પોતાની વ્યથા જણાવતા કહ્યું, હું હવે થાકી ગયો છું

અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પર એક આધેડે પોતાના ભાઈને વીડિયો કોલ કર્યો, ફોન ઉપાડતાની સાથે જ આધેડ રડી પડ્યા. દુઃખ સાથે પોતાની વ્યથા જણાવતા કહ્યું, હું હવે થાકી ગયો છું, મારા સાસુ અને પત્ની મને જીવવા દેતી નથી. હું આ પગલું ભરી રહ્યો છું, મારા બાળકોને તમે સાચવજો. આ સાથે જ પરિવારની નજર સામે આધેડે કેનાલમાં ઝંપલાવી દીધું.

આ કિસ્સો છે 42 વર્ષીય લક્ષ્મણભાઈ પરમારનો. લક્ષ્મણભાઈના નાના ભાઈ રાહુલ રાવતે એક પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ ફરિયાદની વિગતો અનુસાર વર્ષ 2011માં લક્ષ્મણભાઈના લગ્ન રાલીસણા ગામની સુમિત્રાબેન સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પત્નીએ લક્ષ્મણભાઈ સાથે ઝઘડો કરી અલગ રહેવા દબાણ કરવાનું શરૂ કર્યું. પત્નીની જીદ સામે નમીને લક્ષ્મણભાઈ 5 વર્ષથી પોતાની જ સાસરીમાં રહેવા લાગ્યા હતા.

લક્ષ્મણભાઈ જ્યારે પણ પરિવારને મળતા ત્યારે પોતાની સ્થિતિ અંગે વાત કરતા. પોતાની વ્યથા જણાવતા લક્ષ્મણભાઈ પરિવારને કહેતા કે, પત્ની સુમિત્રા અને સાસુ નર્મદાબેન સાસરીમાં પણ શાંતિથી રહેવા દેતા નથી. વારંવાર પૈસાની માંગણી કરી હેરાન કરે છે, અને પૈસા ન આપું તો માનસિક રીતે ટોર્ચર કરે છે. જોકે, આ બનાવનો 23 ડિસેમ્બરે હદ વટાવી ગયા.

રાહુલભાઈને સવારે અચાનક લક્ષ્મણભાઈને  ફોન આવ્યો અને તેમણે રડતા-રડતા જણાવ્યું કે, પત્ની અને સાસુએ પૈસા માટે ઝઘડો કર્યો. ઉપરાંત તેમની સાળી ઉર્મિલાબેન અને ગીતાબેન તેમજ રાજગઢથી બે કુટુંબી સાળાને બોલાવી લક્ષ્મણભાઈ સાથે ઉગ્ર બોલાચાલી કરી અને માર પણ માર્યો છે. સાસરી પક્ષના લોકોએ ધમકી આપી કે જો પૈસા નહીં આપે તો તને તારા બાળકો જોવા પણ નહીં મળે.

આખરે આ શારીરિક અને માનસિક ત્રાસ સહન ન થતા લક્ષ્મણભાઈ રાત્રીના સમયે અડાલજ નજીક ઝુંડાલ કેનાલ પાસે પહોંચ્યા. અહીંથી તેમણે પોતાના ભાઈને વીડિયો કોલ કરી સમગ્ર બાબતે અંગે જણાવ્યું. અંતે પરિવારની નજર સમક્ષ જ લક્ષ્મણભાઈએ કેનાલમાં મોતની છલાંગ લગાવી દીધી. પરિવારજનો પણ તાત્કાલિક કેનાલ ખાતે દોડી ગયા, જ્યાં ફક્ત તેમનો મોબાઈલ મળ્યો.

લક્ષ્મણભાઈનો મૃતદેહ સાંતેજ પોલીસ મથકની હદમાં મળી આવ્યો. આ ઘટના બાદ મૃતકના ભાઈની ફરિયાદની આધારે સાંતેજ પોલીસે કાયદેસરની તપાસ શરૂ કરી. પોલીસે મૃતકના પત્ની સુમિત્રા, સાસુ નર્મદાબેન, સાળી ઉર્મિલા અને ગીતા થતા રાજગઢના બે શખ્સ સહિત કુલ છ શખ્સો વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણા હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ વિસનગર પોલીસને સોંપી છે.

(1:18 PM IST)