News of Thursday, 15th January 2026
રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય :હવે કચેરીની તમામ ફાઈલોની કાર્યવાહી માત્ર ‘ઈ-સરકાર’ પોર્ટલ મારફતે જ કરવાની રહેશે.
આદેશ મુજબ, તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ બાદ કોઈપણ પ્રકારની ફાઈલ કે પત્ર હાર્ડકોપીમાં સ્વીકારવામાં આવશે નહીં

અમદાવાદઃ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે કે હવેથી કચેરીની તમામ ફાઈલોની કાર્યવાહી માત્ર ‘ઈ-સરકાર’ પોર્ટલ મારફતે જ કરવાની રહેશે. ગાંધીનગર સ્થિત વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા જારી કરાયેલા આદેશ મુજબ, તા. ૧૫ જાન્યુઆરી ૨૦૨૬ બાદ કોઈપણ પ્રકારની ફાઈલ કે પત્ર હાર્ડકોપીમાં સ્વીકારવામાં આવશે નહીં.
આ નવા આદેશ મુજબ, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે થતી તમામ કામગીરી હવે ડિજિટલ માધ્યમથી જ કરવાની રહેશે. જોકે, સર્વિસ બુક અને તબીબી બિલ જેવી મહત્વની ફાઈલોને અત્યારે હાર્ડકોપીમાં રાખવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ તે સિવાયના તમામ પત્રવ્યવહાર ફરજિયાતપણે ઈ-સરકાર એપ્લિકેશન દ્વારા જ મોકલવાના રહેશે.
જિલ્લા શિક્ષણાધિકારીઓને ચેતવણી આપવામાં આવી છે કે, જો કોઈ પણ કચેરીમાં ફાઈલની કાર્યવાહી હાર્ડકોપીમાં કરવામાં આવશે, તો જવાબદાર અધિકારી સામે શિસ્તભંગના પગલાં લેવા માટે રાજ્ય સરકારને ભલામણ કરવામાં આવશે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
