<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અમદાવાદમાં ધોરણ-10ની બોર્ડની પરીક્ષા પૂર્વે 'પ્રિ-બોર્ડ પરીક્ષા' : શહેરની 551 શાળાઓના 47,000થી વધુ વિદ્યાર્થીઓ જોડાયા

પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું તિલક કરી, ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરાયું : વિદ્યાર્થીઓનો ડર અને તણાવ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આયોજન

ધોરણ-10ની બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓનો ડર અને તણાવ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્વારા 'પ્રિ-બોર્ડ પરીક્ષા'નું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલી આ પરીક્ષા 22 જાન્યુઆરી સુધી ચાલશે, જેમાં શહેરની 551 શાળાઓના 47,000થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લઈ રહ્યા છે.

પહેલીવાર બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે આ પ્રિ-બોર્ડ પરીક્ષા 'પ્રેક્ટિસ ગ્રાઉન્ડ' સમાન બની રહી છે. પરીક્ષામાં બોર્ડની જેમ જ તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે:

હોલ ટિકિટ: વિદ્યાર્થીઓને લિંક મોકલી ઓનલાઇન હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રેક્ટિસ કરાવાઈ. 

સ્ટીકર્સ અને સપ્લીમેન્ટરી: પરીક્ષા દરમિયાન બારકોડ સ્ટીકર અને ખાખી સ્ટીકરનો ઉપયોગ કેવી રીતે કરવો તેની સમજ આપવામાં આવી 

બેઠક વ્યવસ્થા: બોર્ડની પરીક્ષા જેવી જ કડક અને વ્યવસ્થિત બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

પરીક્ષાના પ્રથમ દિવસે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીએ વિવિધ શાળાઓની મુલાકાત લીધી હતી. પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓનું તિલક કરી, ફૂલ આપી અને મોઢું મીઠું કરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું, જેથી વિદ્યાર્થીઓ હળવાશ અનુભવી શકે.

(11:16 AM IST)