News of Friday, 16th January 2026
શંખેશ્વર જહાજ મંદિરમાં મેરુ તેરસના દિવસે શ્રી શક્રસ્તવ મહાઅભિષેક

રાજકોટ : શંખેશ્વર જહાજ મંદિર એન્કરવાલા ધામે જીનાલયમાં શ્રી આદિનાથ પ્રભુનું નિર્વાણ (મોક્ષ) કલ્યાણકના અવસરે વિવિધ ઔષધીઓ યુક્ત શ્રી શક્રસ્તવ અભિષેક યોજાયેલ.આ પ્રસંગે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્દ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પૂજય મુનિરાજ શ્રી નયશેખર મહારાજ સાહેબ એ મેરુ તેરસનો મહિમા જણાવતા કહ્યું હતું કે જૈન ધર્મમાં મેરુ તેરસનું વિશેષ આધ્યાત્મિક અને ધાર્મિક મહત્વ છે. કાર્તિક માસના શુક્લ પક્ષની તેરસના દિવસે ઉજવાતી આ પાવન તિથિ ભગવાન આદિનાથ (ઋષભદેવ) ના પ્રથમ સમવસરણની સ્મળતિરૂપે મનાવવામાં આવે છે.સમવસરણ એ તીર્થંકર ભગવાનના કેવળજ્ઞાન પ્રાપ્ત થયા બાદ રચાતું દિવ્ય ધર્મસભા સ્થાન છે, જેને જૈન દર્શનમાં આધ્યાત્મિક મેરુ તરીકે વર્ણવવામાં આવ્યું છે. સમવસરણમાંથી ભગવાનનો ધર્મ ઉપદેશ સર્વ જીવો દેવ,મનુષ્ય અને તિર્યંચ સૌ સુધી સમાન ભાવથી પહોંચે છે. અહીં કોઈ ભેદભાવ નથી; બધાને સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રનો માર્ગ પ્રાપ્ત થાય છે. આથી મેરુ તેરસ ધર્મસમાનતા અને અહિંસાના મહાન સિદ્ધાંતોનું પ્રતિક છે. આ પ્રસંગે મૌનવરિષ્ઠ પ.પૂ.મુનિરાજશ્રી પુણ્યરત્ન મહારાજ સાહેબ,પ.પૂ. મુનિરાજશ્રી નયશેખર મહારાજ સાહેબ તથા પ.પૂ.સા.સુનંદિતાશ્રીજી મ.સા એવં પ.પૂ.સા.ભયભંજનાશ્રીજી મ.સા આદિ ના પાવન સાનિધ્યમાં યોજાયું.આ શક્રસ્તવ અભિષેક નો લાભ એક પરમ ગુરૂભક્ત પરિવાર-મુંબઇ વાળા એ લીધેલ. આ પ્રસંગે વિધિવિધાન રાજુભાઇ પાટણવાળા એ કરાવેલ.આ અવસરે ભાવિકો ઉપસ્થિત રહીને અભિષેક કરેલ.
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
