<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં યુવકની જાહેરમાં હત્યા : પ્રેમસંબંધમાં આડખીલીરૂપ હોવાથી પતાવી દીધો :ચારની ધરપકડ

સમાધાનના બહાને બોલાવી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર, જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય પરમાર નામના ચારેય જણાએ ભેગા મળીને મોતને ઘાટ ઉતાર્યો

અમદાવાદમાં ઉતરાયણની રાત્રે હત્યાનો બનાવ સામે આવ્યો હતો, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડમાં છરી મારીને એક યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવી હતી, જે મામલે પોલીસે તપાસ કરતા 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓની પોલીસે પુછપરછ કરતા પ્રેમસંબંધમાં મૃતક આડખીલીરૂપ બનતો હોવાથી આ ગુનાને અંજામ આપવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. 

 

મંથન ઉર્ફે ઋત્વિક પરમાર, જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય પરમાર નામના આ ચારેય જણાએ ભેગા મળીને 14મી જાન્યુઆરીના રાતના 10:00 વાગે આસપાસ ફૂટબોલ ગ્રાઉન્ડ પાસે ચિરાગ રાઠોડ નામના યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપીઓમાંથી મંથન ઉર્ફે ઋત્વિક પરમાર મુખ્ય આરોપી છે, જેણે છરીથી ચિરાગ રાઠોડને ઊંડો ઘા મારતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. હત્યા કર્યા બાદ આરોપી અલગ-અલગ જગ્યાઓ પર નાસતા ફરતા હતા અને અંતે મણિનગર તરફ પરત આવતા પોલીસે તેઓને પકડી પાડ્યા છે. 

 

આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું કે, મૃતક ચિરાગ રાઠોડ તેના મિત્ર નયનની બહેનને પોતાની બહેન માનતો હતો અને તેની બહેનની ઓફિસમાં સાથે કામ કરતા મંથન ઉર્ફે ઋત્વિક પરમાર સાથે પ્રેમ સંબંધ હતો. તેથી ચિરાગ રાઠોડ અવારનવાર માનીતી બહેન અને મંથનને પ્રેમ સંબંધોનું અંત લાવવા કહેતો હતો. જેના કારણે મંથન પરમારે પોતાના મિત્રો સાથે મળીને ચિરાગ રાઠોડને મારી નાખવાનો પ્લાન બનાવી ચિરાગ અને નયનને કાંકરિયા ખાતે સમાધાનનાં બહાને મળવા બોલાવી આ ગુનાને અંજામ આપ્યો હતો.

 

આ ગુનામાં સામે આરોપીઓની વધુ તપાસમાં સામે આવ્યું કે મંથન ઉર્ફે રૂત્વીક પરમાર અને જયદીપ શાહ સામે ભૂતકાળમાં શાહીબાગ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોંધાયો છે, જોકે મંથને આ ગુનાને અંજામ આપવા માટે બોલાવેલા અન્ય ત્રણ આરોપીઓને કોઈ પૈસાની લાલચ આપી હતી કે પછી ત્રણેય જણા મિત્રતામાં આવ્યા હતા તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

(7:04 PM IST)