<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

રાજ્યમાં ફરી માવઠાનો ખતરો: 22 થી 27 દરમિયાન કમોસમી વરસાદના વધુ એક રાઉન્ડની શક્યતા

માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી:સૌરાષ્ટ્રથી લઇને કચ્છ. અને ઉત્તર ગુજરાત સુધી વરસાદની શકયતા :ઘઉં સહિતના પાકને માવઠાથી નુકસાન થઇ શકે

અમદાવાદ : રાજ્ય પર તોળાઇ રહ્યો છે માવઠાનો ખતરો. 22 જાન્યુઆરીથી લઇને 27 જાન્યુઆરી વચ્ચે માવઠાનો એક રાઉન્ડ આવી શકે છે.હાલ રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. આ વચ્ચે માવઠાની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી મુકી છે. સૌરાષ્ટ્રથી લઇને કચ્છ. અને ઉત્તર ગુજરાત સુધી વરસાદની શકયતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ થાય તેવી શકયતાઓ છે. ડિસેમ્બરમાં વરસેલા વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી હતી. અને હવે ફરી એકવાર જો માવઠું થશે તો વધી શકે છે ધરતીપુત્રોની પરેશાની. હાલ ઘઉં સહિતના પાકને માવઠાથી નુકસાન થઇ શકે છે. ત્યારે જો હવામાન વિભાગની આગાહી પ્રમાણે જ વરસાદ આવશે તો ખેડૂતોને પડ્યા પર પાટુ પડી શકે છે.

દેશની રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારો સહિત ઉત્તર ભારતમાં હાલમાં તીવ્ર ઠંડી પડી રહી છે. ગુજરાતના વાતાવરણમાં આગામી દિવસમાં પલટો આવી શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 27 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે તેની અસર ગુજરાત સુધી થશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે. આ સિવાય રાજ્યના પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ રહેશે.

(10:55 PM IST)