News of Sunday, 18th January 2026
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરને વિશેષ કાર્યક્રમ માટે ખર્ચની સત્તાના હિસાબોમાં મોટો ગોટાળોઃ બે ઉચ્ચ અધિકારીઓને ‘શો-કોઝ’ નોટિસ
આરટીઆઇ કરાતા સમગ્ર મામલો સામે આવ્યોઃ ચીફ એકાઉન્ટન્ટ અમીશ શાહ તથા અન્ય એક પાસે ખુલાસો મંગાયાઃ વીજીલન્સ તપાસના આદેશ આપતા મ્યુ. કમિશનર બંછાનીધી પાની

અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના મેયર પ્રતિભા જૈનને વિશેષ કાર્યક્રમો માટે ખર્ચ કરવાની મળેલી સત્તા હેઠળ યોજાયેલા કાર્યક્રમોના હિસાબોમાં કથિત ગેરરીતિ અને ગોટાળાનો પર્દાફાશ થયો છે. આ મામલે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ કડક વલણ અપનાવતા ફાયનાન્સ વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમીશ શાહ અને અન્ય એક ઉચ્ચ અધિકારીને કારણદર્શક (શો-કોઝ) નોટિસ ફટકારી છે અને સમગ્ર પ્રકરણમાં વિજિલન્સ તપાસના આદેશ આપ્યા છે.
ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક બાદ મેયરની એન્ટિ ચેમ્બરમાં એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કમિશનર બંછાનિધિ પાની, મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. તેમજ લગભગ 15-20 મિનિટ સુધી ચાલેલી આ મેરેથોન બેઠકમાં કથિત કૌભાંડ મુદ્દે ઉગ્ર ચર્ચાઓ થઈ હતી. અને મંત્રણાના અંતે કમિશનર દ્વારા જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા અને વિજિલન્સ તપાસ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આ સમગ્ર વિવાદની શરૂઆત RTI (માહિતી અધિકાર) દ્વારા થઈ છે. એક RTI એક્ટિવિસ્ટ દ્વારા છેલ્લા બે વર્ષમાં મેયરની સત્તા હેઠળ થયેલા વિવિધ ખર્ચની વિગતો માંગવામાં આવી હતી. તેમજ આ માહિતીનું વિશ્લેષણ કરતા જાણવા મળ્યું કે કેટલાક વિશેષ કાર્યક્રમો માટે બોગસ બિલો બનાવીને નાણાંની ગેરરીતિ કરવામાં આવી છે. અને મેયરની સત્તા પ્રમાણે તેઓ ખાસ કાર્યક્રમો માટે ખર્ચ મંજૂર કરી શકે છે, પરંતુ આ સત્તાનો દુરુપયોગ થયો હોવાનું સામે આવ્યું છે.
તપાસનો રેલો આવતા જ જવાબદાર અધિકારીઓએ પોતાની બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ઉચ્ચ અધિકારીઓએ નીચેના કર્મચારીઓએ ગરબડ કરી હોવાનું કહીને આ વાતને રફેદફે કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પદાધિકારીઓનું માનવું છે કે નાણાં વિભાગના જવાબદાર ઉચ્ચ અધિકારીઓની જાણકારી અને મંજૂરી વગર આટલું મોટું કૌભાંડ શક્ય જ નથી. હાલમાં બંને જવાબદાર અધિકારીઓને નોટિસ આપી દેવામાં આવી છે અને વિજિલન્સ વિભાગ આ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને રિપોર્ટ સોંપશે, જેના આધારે આગામી દિવસોમાં વધુ કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવી શકે છે.
(12:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
