<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

યુવતિને ઓનલાઈન મિત્રતા ભારે પડી: પ્રેમીએ નશાની દવાઓ આપી ત્રણ મહિના સુધી નરક જેવું જીવન જીવવા કરી મજબૂર

ઘરેથી ભાગીને આવેલી આ વર્ષીય યુવતિને લગ્‍ન બાદ કેદ રાખી શારીરિક –માનસીક ત્રાસ અપાયો

અમદાવાદઃ સોશિયલ મીડિયાના માધ્યમથી અજાણી વ્યક્તિઓ પર ભરોસો મૂકવો કેટલો જોખમી હોઈ શકે છે તેનો એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતની 25 વર્ષીય યુવતીને ઈન્સ્ટાગ્રામ પર થયેલો પ્રેમ સંબંધ આત્મહત્યાના પ્રયાસ સુધી દોરી ગયો હતો. પ્રેમીના કહેવા પર ઘર છોડી ભાગી આવેલી યુવતીને લગ્ન બાદ કેદ રાખી શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ થયો છે.

આશરે એક વર્ષ અગાઉ ઈન્સ્ટાગ્રામ મારફતે યુવતીનો પરિચય એક યુવક સાથે થયો હતો. બંને વચ્ચેની ઓનલાઈન વાતચીત પ્રેમમાં પરિણમી હતી. પરિવારે વિરોધ કરતાં યુવતી પ્રેમીના વિશ્વાસમાં આવી ઘર છોડીને ભાગી ગઈ હતી અને બાદમાં બંનેએ કોર્ટ મેરેજ કર્યા હતા.

લગ્ન બાદ પ્રેમીનો અસલી ચહેરો સામે આવ્યો હતો. યુવતીનો આક્ષેપ છે કે, તેને અમદાવાદમાં એક રૂમમાં ત્રણ મહિના સુધી કેદ રાખવામાં આવી હતી. તેમજ તેને સતત નશાની દવાઓ આપી બેભાન જેવી સ્થિતિમાં રાખવામાં આવતી હતી. અને આ સ્થિતિમાં તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધવામાં આવતા હતા. તેમજ યુવતીને ગેરમાર્ગે દોરવા માટે એવું કહેવામાં આવ્યું હતું કે તેના માતા-પિતાએ તેના પર કાળો જાદુ કર્યો છે, જે દૂર કરવા માટે આ બધું કરવું જરૂરી છે.

જ્યારે નશાની દવાઓની અસર ઓછી થઈ અને યુવતી હોશમાં આવી ત્યારે તેણે વિરોધ કર્યો હતો. તે સમયે પ્રેમીએ નિર્લજ્જતાથી જણાવ્યું હતું કે તે તેની પહેલી નહીં પણ 12મી પ્રેમિકા છે. તેને પિયર જવા કે કોઈનો સંપર્ક કરવા પર પ્રતિબંધ લગાવી વધુ ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું.

તત ત્રાસથી કંટાળીને યુવતી અડાલજ નજીક કેનાલ પર આત્મહત્યા કરવા પહોંચી હતી. ત્યાં એક જાગૃત નાગરિકને શંકા જતાં 181 અભયમ હેલ્પલાઇનને જાણ કરી હતી. અભયમની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી યુવતીને બચાવી હતી. કાઉન્સેલિંગ બાદ યુવતીના માતા-પિતાને બોલાવી તેને સુરક્ષિત રીતે ઘરે પરત મોકલવામાં આવી છે. આ કિસ્સો સમાજ માટે લાલબત્તી સમાન છે કે ઓનલાઈન મિત્રતા અને અંધપ્રેમમાં યુવાનો કેવી રીતે શિકાર બની રહ્યા છે.

 

(12:33 PM IST)