<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th January 2026

ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મોટો નિર્ણય : મહિલા સ્વ-સહાય જૂથો અને શહેરી ટેક્સટાઈલ એકમોને મળશે પોલિસીના લાભ

મ્યુનિસિપલ વિસ્તારમાં આવતા પ્રદૂષણમુક્ત ટેક્સટાઈલ એકમોને પણ હવે સહાયનું કવચ : રોજગાર સર્જન અને મહિલા સશક્તિકરણને વેગ આપવા ગુજરાત સરકારે જોગવાઈઓમાં કર્યા મહત્વપૂર્ણ સુધારા

ગાંધીનગર, તા. 18 જાન્યુઆરી : ગુજરાતની અર્થવ્યવસ્થામાં કાપડ ઉદ્યોગના યોગદાનને વધુ મજબૂત બનાવવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે ‘ગુજરાત ટેક્સટાઈલ પોલિસી-૨૦૨૪’ માં ક્રાંતિકારી સુધારા કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય અંતર્ગત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારોની મહિલાઓના સ્વ-સહાય જૂથો (SHGs) ના સશક્તિકરણ અને આવક વૃદ્ધિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ ના વિઝનને સાકાર કરવા ગુજરાતના ટેક્સટાઈલ સેક્ટરને વધુ વ્યાપક બનાવવાનો આ વ્યૂહ છે.
મહિલા સ્વ-સહાય જૂથોને પ્રોત્સાહન:
નવી સુધારેલી જોગવાઈઓ મુજબ, હવે નેશનલ રૂરલ લાઈવલી હુડ મિશન અને નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન હેઠળ નોંધાયેલા તમામ સ્વ-સહાય જૂથોને ટેક્સટાઈલ પોલિસીના લાભો મળી શકશે. આજીવિકાના સમાન હેતુથી જોડાયેલી મહિલાઓના એક કે તેથી વધુ જૂથો આ પોલિસી અંતર્ગત સહાય મેળવી આર્થિક રીતે સ્વનિર્ભર બની શકશે. આ પગલાથી લેબર-ઇન્ટેન્સિવ ગારમેન્ટિંગ ક્ષેત્રે મહિલાઓને ઘરઆંગણે જ રોજગારીની તકો ઉપલબ્ધ થશે.
શહેરી વિસ્તારોમાં નોન-પોલ્યુટીંગ એકમોને છૂટછાટ:
રાજ્ય સરકારે એક અન્ય મહત્વના નિર્ણયમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા નોન-પોલ્યુટીંગ (પ્રદૂષણમુક્ત) ટેક્સટાઈલ એકમોને પણ પોલિસીના દાયરામાં આવરી લીધા છે. જે એકમો ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) ની ‘વ્હાઈટ’ અથવા ‘ગ્રીન’ કેટેગરીમાં આવે છે અને ગારમેન્ટિંગ, એપેરલ, સ્ટીચિંગ કે એમ્બ્રોઈડરી જેવી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે, તેમને હવે સરકારી સહાયનો લાભ મળશે. આ નિર્ણયથી શહેરી આંતરમાળખાકીય સુવિધાઓનો ઉપયોગ વધશે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો થશે.
આર્થિક અને સામાજિક ફાયદાઓ:
 * સ્થાનિક રોજગારી: કુશળ અને અર્ધકુશળ કામદારોને સ્થાનિક સ્તરે જ કામ મળી રહેશે, જેથી સ્થળાંતર ઘટશે.
 * MSME વિકાસ: સૂક્ષ્મ, નાના અને મધ્યમ ઉદ્યોગો માટે વિકાસલક્ષી વાતાવરણ ઉભું થશે.
 * પર્યાવરણ સુરક્ષા: નોન-પોલ્યુટીંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન મળવાથી ટકાઉ ઔદ્યોગિક વિકાસ શક્ય બનશે.
 * વર્ક-લાઈફ બેલેન્સ: મહિલા કર્મચારીઓને ઘરની નજીક રોજગાર મળવાથી સામાજિક સ્થિરતા અને કાર્ય-જીવનનું સંતુલન જળવાશે.
ઉદ્યોગ મંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવેલા આ સુધારાથી ગુજરાતની ટેક્સટાઈલ વેલ્યુ ચેઈનના દરેક સેગમેન્ટમાં સ્પર્ધાત્મકતા વધશે. દેશને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્યમાં ગુજરાતનો કાપડ ઉદ્યોગ હવે પાયાની ભૂમિકા ભજવશે.

(1:29 PM IST)