News of Sunday, 18th January 2026
મહુવામાં મામલતદાર કચેરી સુધી કોળી સમાજની વિશાળ રેલીઃ ૩ દિ’માં ન્યાય નહીં મળે તો ગૃહમંત્રીના પૂતળાદહન ભાજપમાંથી સામુહિક રાજીનામાની ચિમકી
નવીનીત બાલધિયાને ન્યાય આપવા ૭ર કલાકનું અલ્ટીમેટમઃ આજે કોળીયાક ખાતે મોટી બેઠક પણ યોજાશેઃ રણનીતિ નકકી કરાશે

ભાવનગરઃ બગદાણાના નવનીત બાલધિયા હુમલા કેસમાં 18 દિવસ વીત્યા છતાં મુખ્ય આરોપીઓ સામે કાર્યવાહી ન થતા મહુવા તાલુકાનો કોળી સમાજ આક્રમક મૂડમાં જોવા મળ્યો છે. આજે મહુવાના ભૂતેશ્વરથી મામલતદાર કચેરી સુધી વિશાળ રેલી કાઢીને સમાજના અગ્રણીઓએ સરકારને માત્ર ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે.
રેલી બાદ યોજાયેલી સભામાં કોળી સમાજના આગેવાનોએ હૈયા વરાળ ઠાલવતા જણાવ્યું હતું કે, જો ત્રણ દિવસમાં નવનીત બાલધિયાને ન્યાય નહીં મળે અને મુખ્ય સૂત્રધારો સામે FIR નહીં થાય તો:
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીના પૂતળાનું દહન કરવામાં આવશે. ભાજપ સાથે જોડાયેલા ગ્રામ પંચાયતના સરપંચો, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સદસ્યો સહિત તમામ પદાધિકારીઓ સામૂહિક રાજીનામા ધરી દેશે. આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ધરણા અને જેલ ભરો આંદોલન કરવાની રણનીતિ ઘડવામાં આવી છે.
સરપંચ એસોસિએશનના અગ્રણી વિજયભાઈ વાળા અને અન્ય આગેવાનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસ તંત્ર કોઈ મંત્રી કે સરકારના ઈશારે મુખ્ય આરોપીઓને સાચવી રહ્યું છે. ખાસ કરીને માયાભાઈ આહીરના પુત્ર જયરાજનું નામ FIR માં ઉમેરવા માટે સમાજે ભારપૂર્વક માંગ કરી છે. અગ્રણીઓએ જણાવ્યું કે, "જ્યારે સમાજની અસ્મિતાનો સવાલ હોય ત્યારે ભાજપ, કોંગ્રેસ કે આપ - તમામ પક્ષના કોળી નેતાઓએ એક મંચ પર આવવું પડશે."
એક તરફ સમાજમાં રોષ છે, તો બીજી તરફ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) એ તપાસ તેજ કરી છે. આજે તત્કાલીન બગદાણા PI ડી.વી. ડાંગર અને મહુવા ટાઉન PI કે.એસ. પટેલ SIT સમક્ષ હાજર થયા છે. છેલ્લા ત્રણ કલાકથી વધુ સમયથી બંને અધિકારીઓના નિવેદન નોંધવાની કાર્યવાહી ચાલી રહી છે.
આંદોલનને વધુ વેગ આપવા માટે આજે 18મી જાન્યુઆરીએ ઘોઘા તાલુકાના કોળિયાક મુકામે કોળી સમાજની વાડીમાં એક મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના સરપંચો અને આગેવાનો એકઠા થઈને આગળની લડાઈનું રણશિંગુ ફૂંકશે.
જેમાં હુમલાના મુખ્ય સૂત્રધારોના નામ FIR માં દાખલ કરવા. પોલીસ તપાસમાં જે અધિકારીઓએ બેદરકારી દાખવી છે તેમની સામે કડક પગલાં લેવા. નિર્દોષ કોળી યુવાનને તાત્કાલિક ન્યાય અપાવવો સહિતની માંગણીઓ અંગે રણનીતિ ઘડાશે.
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
