News of Sunday, 18th January 2026
પાટણના નવજીવન વિસ્તારમાં ગેરકાયદેસર લારી-ગલ્લા અને શેડ ધરાશાયી ફરી વળ્યું બુલડોઝર
શહેરની ટ્રાફિક-ગંદકીની સમસ્યા દૂર કરવા નગરપાલીકા એકશનમાં દબાણની રજુઆતો આવતા કડક પગલું

પાટણ : શહેરમાં ટ્રાફિક અને ગંદકીની સમસ્યાને હલ કરવા માટે નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેરના વ્યસ્ત ગણાતા નવજીવન ચાર રસ્તા વિસ્તારમાં લાંબા સમયથી ખડકાયેલા ગેરકાયદેસર દબાણો પર પાલિકાએ લાલ આંખ કરી છે અને જેસીબી ફેરવી માર્ગ ખુલ્લો કરાવ્યો છે.
નવજીવન ચાર રસ્તા પાસે આવેલા તિરુપતિ માર્કેટમાં અનેક દુકાનદારો દ્વારા પોતાની દુકાનની બહાર ગેરકાયદેસર રીતે લોખંડના શેડ બનાવી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, દુકાનોની આગળ ઉભી રહેતી લારીઓને કારણે રસ્તો સાંકડો થઈ જતો હતો, જેનાથી વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આ મામલે રજૂઆતો મળતા પાલિકાના ચીફ ઓફિસર પોતાની ટીમ અને પોલીસ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા.
નગરપાલિકાની ટીમ જેસીબી મશીન અને જરૂરી સાધનો સાથે તિરુપતિ માર્કેટ પહોંચતા દબાણકર્તાઓમાં ફાળ ફેલાઈ ગઈ હતી. પાલિકાએ કોઈ પણ શેહશરમ રાખ્યા વગર દુકાનોની આગળના ગેરકાયદેસર શેડ તોડી પાડ્યા હતા. સાથે જ રસ્તા પર અડચણરૂપ ઉભી રહેતી લારીઓ અને પાથરણાં પણ દૂર કરવામાં આવ્યા હતા. આ કામગીરીને પગલે વર્ષોથી દબાયેલો માર્ગ ફરી એકવાર ખુલ્લો અને મોકળો બન્યો છે.
નગરપાલિકાના ચીફ ઓફિસરે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શહેરમાં ગંદકી ફેલાવતા તત્વો અને જાહેર માર્ગો પર દબાણ કરનારાઓ સામે આ ઝુંબેશ સતત ચાલુ રહેશે. આગામી દિવસોમાં શહેરના અન્ય વિસ્તારોમાં પણ સર્વે કરીને ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે જેથી પાટણ શહેરને સ્વચ્છ અને ટ્રાફિકમુક્ત બનાવી શકાય.
સ્થાનિક રહીશોએ પાલિકાની આ આક્રમક કામગીરીને આવકારી છે અને આશા વ્યક્ત કરી છે કે આ રસ્તો ફરીથી દબાણોથી ન ભરાય તે માટે તંત્ર સતત દેખરેખ રાખશે.
(3:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
