News of Sunday, 18th January 2026
મલેકપુરથી અંબાજીઃ ઠાકોર સેનાનું ભવ્ય શક્તિ પ્રદર્શન
શ્રી ભવાની ધામ સંકલ્પ : 1000 ગાડીઓના કાફલા સાથે મલેકપુરથી પ્રસ્થાનઃ અભિજીતસિંહ બારડની આગેવાનીમાં સમાજના સાંસદો, ધારાસભ્યો, દિગ્ગજ નેતાઓ હાજરઃ સાંજે જગદંબા મંદિરના શિખરે ધ્વજારોહણ

મહેસાણા : ઉત્તર ગુજરાતના રાજકારણ અને સમાજિક ક્ષેત્રે આજે ફરી એકવાર ઠાકોર સમાજની એકતાના દર્શન થયા છે. એમએલએ અલ્પેશભાઈ ઠાકોરના આગામી મોટા સંમેલન પૂર્વે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરવામાં આવેલું આ શક્તિ પ્રદર્શન સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યું છે. અભિજિતસિંહ બારડ ની આગેવાનીમાં મલેકપુર થી અંબાજી જવા નીકળેલી આ યાત્રામાં હજારોની સંખ્યામાં યુવાનો અને સમાજના અગ્રણીઓ જોડાયા છે.
વહેલી સવારથી જ ખેરાલુનું મલેકપુર ગામ કેસરીયા માહોલમાં રંગાઈ ગયું હતું. ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રદેશ પ્રમુખ અભિજિતસિંહ બારડની આગેવાનીમાં 'શ્રી ભવાની ધામ સંકલ્પ યાત્રા'ને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ યાત્રા માત્ર એક ધાર્મિક પ્રવાસ નથી, પરંતુ ઠાકોર સમાજની એકતા અને સંગઠન શક્તિનો પરચો છે. અંદાજે 1000 જેટલી ગાડીઓના લાંબા કાફલા સાથે નીકળેલી આ રેલી જે માર્ગ પરથી પસાર થઈ ત્યાં 'જય ભવાની'ના નારાથી આકાશ ગુંજી ઉઠ્યું હતું.
આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય અંબાજી ખાતે ભવ્ય 'ભવાની ધામ'ના નિર્માણ માટે સંકલ્પ લેવાનો છે. આ પ્રસંગે મીડિયા સાથે વાત કરતા અભિજિતસિંહ બારડે જણાવ્યું હતું કે, "ભવાની ધામ માત્ર એક મંદિર નહીં, પરંતુ ઠાકોર સમાજ માટે 'પાવર હાઉસ' સાબિત થશે. અહીંથી સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક ઉત્થાનની પ્રવૃત્તિઓ વેગ પકડશે." તેમણે વધુમાં ઉમેર્યું કે, સનાતન ધર્મની રક્ષા માટે ક્ષત્રિય ઠાકોર સમાજ હંમેશા કટિબદ્ધ રહ્યો છે અને રહેશે.
લોકપ્રિય ગાયક જીગ્નેશ કવિરાજે (Jignesh Kaviraj) પણ આ યાત્રામાં જોડાઈને ઉત્સાહ વધાર્યો હતો. તેમણે ગર્વ સાથે જણાવ્યું હતું કે, "મારા વતન ખેરાલુના મલેકપુરથી આટલી વિશાળ યાત્રા નીકળી રહી છે તેનો મને આનંદ છે. અભિજિતસિંહ બારડે જે રીતે સમાજને સંગઠિત કર્યો છે તે પ્રશંસનીય છે." આ યાત્રામાં પ્રદેશના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને ઠાકોર સેનાના અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.
સાંજે આ યાત્રા શક્તિપીઠ અંબાજી પહોંચશે, જ્યાં મા જગદંબાના શિખર પર ભક્તિભાવ પૂર્વક ધજા ચડાવવામાં આવશે. ત્યારબાદ અંબાજી ખાતે એક વિશાળ મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી કાર્યક્રમો અને ભવાની ધામના નિર્માણની રૂપરેખા જાહેર કરવામાં આવશે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
