News of Sunday, 18th January 2026
ભરૂચના કંથારીયા પાસે ડમ્પરે ત્રણ વાહનોને અડફેટે લીધા : એકનું મોત: પાંચથી વધુ ઘાયલ
કંથારીયા દલાલ સ્ટ્રીટ પાસે બેકાબુ થયેલા ડમ્પરે એક બાદ એક રીક્ષા, કાર અને મોપેડને ટક્કર મારતા ઘટનાસ્થળે અફરાતફરી મચી

ભરૂચ તાલુકાના કંથારીયા નજીક આજે સવારે ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. બેકાબૂ બનેલા ડમ્પરે એક પછી એક રીક્ષા, કાર અને મોપેડને ટક્કર મારતા ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.
પ્રાપ્ત માહિતી મુજબ, કંથારીયા દલાલ સ્ટ્રીટ પાસે એક ડમ્પર ચાલકે અચાનક સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા પહેલા મોપેડને ટક્કર મારી હતી. ત્યારબાદ ડમ્પરે રીક્ષા અને નજીકથી પસાર થતી કારને પણ ટક્કર મારી હતી. ડમ્પરની ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષા પલટી ગઈ હતી. રીક્ષામાં સવાર તમામ લોકોને વિવિધ પ્રકારની ઈજાઓ પહોંચી હતી.
માર્ગ પર અચાનક સર્જાયેલા આ અકસ્માતને પગલે વાહન વ્યવહાર થોડીવાર માટે ખોરવાઈ ગયો હતો, અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. અકસ્માતની જાણ થતા જ 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ડૉક્ટરોએ મોપેડ ચાલક અરુણ અરવિંદભાઈ રાઠોડને તપાસ બાદ મૃત જાહેર કર્યો હતો. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો છે. આ અકસ્માતે એક પરિવારને આઘાત આપ્યો છે, અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માત સર્જી ડમ્પરચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા જ તાલુકા પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા ફરાર ડમ્પર ચાલકને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
