News of Sunday, 18th January 2026
ખાતમુહુર્ત બાદ રસ્તા અને બ્રિજને તંત્ર ભૂલી ગયું...?! :ચીકદા તાલુકાના ખાતમુહુર્ત કરેલા રસ્તા અને બ્રિજના કામો ત્રણ મહિના થયા પણ કામ શરૂ નથી કરાયા
વિકાસ સપ્તાહમાં વિકાસ બતાવવા સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં પુલનું ખાતમુહુર્ત કરાયું પણ હજુ ઓનલાઇન ટેન્ડર પ્રકિયા જ બાકી

( ભરત શાહ દ્વારા ) નર્મદા : નવ રચિત ચીકદા તાલુકામાં સાંસદ તેમજ ધારાસભ્યની હાજરીમાં ખાતમુહુર્ત કરેલા રસ્તાઓ તેમજ પુલનું કામ છેલ્લા ત્રણ મહીનાથી અટવાઈ પડ્યું છે. વર્ષોથી ખરાબ રસ્તાઓને કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને જ્યારે સરકાર દ્વારા રસ્તાની સુવિધા માટે મોટી ગ્રાન્ટ ફાળવી આપી ચૂંટાયેલા પ્રતિનિધિઓએ તેનું ખાતમુહુર્ત કર્યું પરંતુ ત્રણ મહિના વીતી ગયા છતાં આ રસ્તાઓનું કામ કરતી એજન્સીઓ દ્વારા રસ્તાની કામગીરી શરૂ ન કરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
14 ઓક્ટોબર 2025 ના રોજ સાંસદ મનસુખભાઈ વસાવા તેમજ ધારાસભ્ય ચૈતર વસાવાની હાજરીમાં ચિકદા તાલુકાના બોરીડાબરા ગામે બે રસ્તાઓ અને પુલ મળી અંદાજિત 545.71 લાખ તેમજ આંજણવઈ ગામે એક રસ્તાનું કામ 169.69 લાખના ખર્ચે ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું. આ રસ્તાઓનું કામ રાજ ઇન્ફ્રા બિલ્ડ તેમજ દાયમા કન્સ્ટ્રક્શન રાજપીપળા નામની બે એજન્સીઓને આપવામાં આવ્યું છે. પરંતુ મળતી માહિતી મુજબ એજન્સીઓ બીજા મોટા પ્રોજેકટમાં કામ કરતી હોય ત્યાં વ્યસ્ત હોવાને કારણે ગામડાના નાના નાના કામો તરફ ધ્યાન નથી આપી રહ્યા. ત્યારે વર્ષોથી જર્જરીત રસ્તાઓને કારણે હાડમારી વેઠતી પ્રજાને જલ્દી સારા અને ગુણવત્તા વાળા રસ્તાઓ મળે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી રહી છે.
વિકાસ સપ્તાહમાં વિકાસ બતાવવા માટે સાંસદ અને ધારાસભ્યની હાજરીમાં પાટડી અને બોરીડાબરા ગામ વચ્ચેના અંદાજિત 429.54 લાખના ખર્ચે નવા પુલનું ખાતમુહુર્ત તો કરી નાખ્યું પરંતુ મળતી માહિતી મુજબ આ બ્રિજની ટેન્ડર પ્રકિયા ત્રણ મહિના બાદ પણ કરવામાં આવી નથી.
(9:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
