News of Sunday, 18th January 2026
"આજે નહીં તો કાલે હું રાજકારણમાં જોડાઈશ." 'ભવાની ધામ સંકલ્પ યાત્રા'ના જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરનું મોટું નિવેદન
ગે ક્ષત્રિય નેતા અભિજિત સિંહ બારડ સહિત અનેક દિગ્ગજ ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં વિક્રમ ઠાકોરે રાજકારણમાં જોડાવવાના સંકેત આપ્યા

ગુજરાતમાં આવતાં વર્ષે 2027માં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ઉત્તર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે એક મોટી રાજકીય હલચલ જોવા મળી છે. ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર અને લાખો દિલોની ધડકન વિક્રમ ઠાકોરે અંબાજીના પવિત્ર ધામમાં માતાજીના દર્શન કર્યા બાદ એક અત્યંત મહત્વનું નિવેદન આપ્યું છે. અંબાજી ખાતે આયોજિત 'ભવાની ધામ સંકલ્પ યાત્રા'ના પ્રસંગે જાહેર મંચ પરથી વિક્રમ ઠાકોરે સ્પષ્ટ કર્યું હતું કે, "આજે નહીં તો કાલે, હું ચોક્કસપણે રાજકારણમાં જોડાઈશ."
આ કાર્યક્રમ અંબાજીના ભગવતી પાર્ટી પ્લોટમાં યોજાયો હતો, જ્યાં હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. આ પ્રસંગે ક્ષત્રિય નેતા અભિજિત સિંહ બારડ સહિત અનેક દિગ્ગજ ક્ષત્રિય આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોની હાજરીમાં વિક્રમ ઠાકોરે જ્યારે રાજકારણ માં આવવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ઉપસ્થિત જનમેદનીએ ભારે હર્ષનાદ સાથે તેમને વધાવી લીધા હતા.
વિક્રમ ઠાકોર લાંબા સમયથી સામાજિક કાર્યો અને લોકોના પ્રશ્નોમાં સક્રિય જોવા મળ્યા છે, પરંતુ રાજકારણમાં સીધા પ્રવેશ અંગે તેઓ હંમેશા મૌન સેવતા હતા. અંબાજીની આ સંકલ્પ યાત્રામાં તેમણે આપેલું નિવેદન ગુજરાતના રાજકારણ માં ગરમાવો લાવી શકે તેમ છે. તેમણે મંચ પરથી સંબોધન કરતા જણાવ્યું હતું કે લોકસેવા માટે રાજકારણ એક સબળ માધ્યમ છે અને સમય આવ્યે તેઓ આ માર્ગ પર આગળ વધશે. બીજી તરફ આવતા વર્ષ 2027માં ગુજરાત વિધનસભાની ચૂંટણી આવી રહી છે. જેથી તેઓ અભિનય સાથે સાથે ચૂંટણીમાં હાથ અજમાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, વિક્રમ ઠાકોરની લોકપ્રિયતા ખાસ કરીને ગ્રામીણ ગુજરાત અને યુવાનોમાં ખૂબ જ વધારે છે. તેમની એક ઝલક મેળવવા માટે ચાહકો પડાપડી કરતા હોય છે. આટલી મોટી ફેન ફોલોઈંગ ધરાવતા અભિનેતા જો રાજકારણમાં ઝંપલાવે તો આગામી સમયમાં ચૂંટણીના સમીકરણો બદલાઈ શકે છે. કાર્યક્રમ બાદ સોશિયલ મીડિયા પર પણ તેમના આ નિવેદનની જોરશોરથી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
