<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

ભરૂચ-જંબુસર રોડ પર આવેલી અનોખી હોસ્‍પિટલ

તમામ સ્‍ટાફ કેરેલીયન છે અને આજ દિન સુધી એક પણ ઓપરેશન થયું નથીઃ હેમેન ભટ્ટ દયાદરા ગામમાં ૧૩૫ પથારીની સુવિધા સાથે ચાલતી યુનાની હોસ્‍પિટલઃ ગ્રીક પદ્ધતિથી થાય છે તમામ પ્રકારના જટિલ રોગોની સારવારઃ વજન ઘટાડવા માટે દવાને બદલે જીવનશૈલી, આહાર અને કસરત પર વિશેષ ભાર

જંબુસર તા.૧૯: સામાન્‍ય રીતે હોસ્‍પિટલનું નામ પડે એટલે ઓપરેશન થીયેટર અને સર્જરીના વિચારો આવવા લાગે, પરંતુ ભરૂચથી જંબુસર જતા રસ્‍તામાં દયાદરા ગામ પાસે એક એવી હોસ્‍પિટલ આવેલી છે જેણે આ માન્‍યતા બદલી નાખી છે. અહીં અત્‍યાધુનિક સુવિધાઓ હોવા છતાં આજ દિન સુધી એક પણ ઓપરેશન કરવામાં આવ્‍યું નથી.

સંપૂર્ણ કેરેલીયન સ્‍ટાફ અને ભાષા સેતુઃ આ યુનાની હોસ્‍પિટલની બીજી સૌથી મોટી ખાસિયત એ છે કે અહીંનો તમામ મેડિકલ અને નર્સિગ સ્‍ટાફ કેરળથી આવેલો (કેરેલીયન) છે. જોકે, સ્‍થાનિક દર્દીઓને વાતચીતમાં કે સારવાર સમજવામાં કોઈ મુશ્‍કેલી ન પડે તે માટે હોસ્‍પિટલ પ્રશાસને ખાસ તકેદારી રાખી છે. અહીંના લગભગ તમામ સ્‍ટાફ મેમ્‍બરોએ હિન્‍દી ભાષા શીખી લીધી છે, જેથી તેઓ દર્દીઓ સાથે સરળતાથી સંવાદ સાધી શકે છે. હોસ્‍પિટલ કુલ ૧૩૫ પથારીની સુવિધા ધરાવે છે.

શું છે યુનાની પદ્ધતિ ? આ સારવાર પદ્ધતિ અંગે માહિતી આપતા હોસ્‍પિટલના ચીફ એમ.ડી. મસુદે જણાવ્‍યું હતું કે,  જેમ આપણે ત્‍યાં એલોપેથી, આયુર્વેદઅને હોમિયોપેથી પ્રચલિત છે, તેવી જ રીતે યુનાની એ ગ્રીક ચિકિત્‍સા પદ્ધતિ છે. અમે અહીં આવતા તમામ દર્દીઓની સારવાર આ પ્રાચીન ગ્રીક પદ્ધતિ દ્વારા જ કરીએ છીએ.

ઓપરેશન વગર જાટિલ રોગોની સારવારઃ આ હોસ્‍પિટલનો રેકોર્ડ છે કે અહીં હજુ સુધી કોઈ પણ દર્દી પર શષક્રિયા (ઓપરેશન) કરવામાં આવી નથી. અહીં માત્ર દવાઓ અને થેરાપી દ્વારા મગજ અને નર્વસ સિસ્‍ટમ, આંખ, નાક, કાન, શ્વસનતંત્ર, રક્‍ત અને રુધિરાભિસરણ, પાચનતંત્ર, લીવર (યકૃત), પિત્તાશય, ચામડીના રોગો, સાંધા અને ગઠિયા વા જેવા અનેક રોગોની સારવાર કરવામાં આવે છે. આ ઉપરાંત અહીં મલ્‍ટીસ્‍પેશિયાલિટી ડેન્‍ટલ ક્‍લિનિક પણ કાર્યરત છે.

વજન ઘટાડવા માટે સાયન્‍ટિફિક એપ્રોચઃ આસા હોસ્‍પિટલ્‍સ દ્વારા સંચાલિત આ સંકુલમાં વજન ઘટાડવા ઈચ્‍છતા લોકો માટે ખાસ પેકેજ ઉપલબ્‍ધ છે. જેમાં માત્ર દવાઓ પર આધાર રાખવાને બદલે દર્દીની જીવનશૈલી સુધારવા પર ભાર મૂકવામાં આવે છે. તબીબી કુશળતાના માર્ગદર્શન હેઠળ આહાર (ડાયેટ), કસરત અને દિનચર્યામાં ફેરફાર જેવી બાબતો દ્વારા વજન ઘટાડવાના લક્ષ્યાંકો સિદ્ધ કરવામાં આવે છે, જેથી દર્દી સ્‍વસ્‍થ અને નિરોગી જીવન જીવી શકે (માહિતી સૌજન્‍ય, સ્‍વાનુભવઃ હેમેન ભટ્ટ, રાજકોટ, મો. ૯૪૨૬૯ ૦૭૫૯૯ )

(4:08 PM IST)