<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th January 2026

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર : યુ.એન. મહેતા, કિડની અને કેન્સર હોસ્પિટલના તમામ નવા કેન્દ્રો હવે 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણાશે

રાજ્ય સરકારના ૧૭ જાન્યુઆરીના ઐતિહાસિક ઠરાવથી અધિકારીઓ-કર્મચારીઓને સારવારના બિલ પાસ કરાવવામાં મોટી રાહત : ભવિષ્યમાં શરૂ થનારા સેન્ટરોમાં પણ કેશલેસ જેવી સુવિધાનો લાભ મળશે

ગાંધીનગર : ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો સરકારી અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનરોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારના તાજેતરના ઠરાવ મુજબ, અમદાવાદની યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ અને કિડની ઇન્સ્ટિટ્યૂટ હસ્તકના હાલના તેમજ ભવિષ્યમાં શરૂ થનારા તમામ હોસ્પિટલ અને સેન્ટરોને 'સરકારી હોસ્પિટલ' સમકક્ષ ગણવામાં આવશે. આ નિર્ણયથી સરકારી કર્મચારીઓ અને તેમના આશ્રિતોને અત્યાધુનિક સારવાર મેળવવામાં અને તેના ખર્ચની ભરપાઈ મેળવવામાં મોટી સુવિધા થશે.
શું છે સરકારનો નવો ઠરાવ?
આરોગ્ય વિભાગના પત્ર ક્રમાંક HFWD/0597/01/2026 અને ૧૭ જાન્યુઆરી ૨૦૨૬ના ઠરાવ અનુસાર, ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫ હેઠળ અત્યાર સુધી માત્ર મુખ્ય સંસ્થાઓને જ સરકારી સમકક્ષ ગણવામાં આવતી હતી. જોકે, હવે આ સંસ્થાઓ દ્વારા રાજ્ય સરકારની મંજૂરી મેળવીને શરૂ કરવામાં આવેલા નવા કેન્દ્રો અને ભવિષ્યમાં કાર્યરત થનારા સેન્ટરોને પણ આ નિયમ હેઠળ આવરી લેવાયા છે. આ ઠરાવ રાજ્યપાલના હુકમથી ઉપ સચિવ બ્રીજેશ મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
કઈ સંસ્થાઓના કેન્દ્રોને મળશે લાભ?
૧. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ: આ સંસ્થાના તમામ પેટા કેન્દ્રો.
૨. ધી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (એમ.પી.શાહ કેન્સર હોસ્પિટલ), અમદાવાદ: કેન્સરની સારવાર માટેના વિસ્તૃત કેન્દ્રો.
૩. ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ: કિડનીની સારવાર માટેના તમામ સેન્ટરો.
કર્મચારીઓને થનારા સીધા ફાયદા
રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનર અને તેમના આશ્રિત કુટુંબીજનો જ્યારે આ હોસ્પિટલ્સમાં સારવાર લેશે, ત્યારે તેમને ગુજરાત રાજ્ય સેવા (તબીબી સારવાર) નિયમો, ૨૦૧૫નો સીધો લાભ મળશે. અગાઉના ૦૮/૦૩/૨૦૧૬ના ઠરાવની જોગવાઈ મુજબ, સરકારી હોસ્પિટલ સમકક્ષ ગણાયેલી આ સંસ્થાઓમાં મેળવેલી સારવારના બિલ્સ કોઈપણ નાણાકીય મર્યાદા વિના તિજોરી અધિકારી (DTO) કક્ષાએથી મંજૂર થઈ શકશે. આનાથી કર્મચારીઓએ સારવારના ખર્ચની મંજૂરી માટે લાંબી પ્રક્રિયા કે ઉચ્ચ કક્ષાએ ધક્કા ખાવા પડશે નહીં.
આ ઠરાવની અમલવારી માટે તમામ કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ અધિક્ષક, સિવિલ સર્જન અને તમામ વિભાગોને જાણ કરી દેવામાં આવી છે. સામાન્ય વહીવટ વિભાગ અને નાણા વિભાગની મંજૂરી બાદ લેવાયેલો આ નિર્ણય રાજ્યના કર્મચારી આલમમાં આવકાર પામ્યો છે.

(10:23 PM IST)