તા. ૨ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૧૨ મંગળવાર
News of Tuesday, 20th January 2026
કુંવરજીભાઈની ‘જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા' સોમનાથ મહાદેવના ચરણોમાં સંપન્ન
ઘેલા સોમનાથથી વેરાવળ સોમનાથ સુધીની ૨૨૯ કિલોમીટરની યાત્રા ૮ દિવસમાં પૂર્ણઃ ૩૨ ગામોમાં ભવ્ય સ્વાગત : સાદગી અને લોકસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું

રાજકોટ/સોમનાથ : રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલ પવિત્ર યાત્રાધામ ઘેલા સોમનાથથી શરૂ થયેલી ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાની ‘જન કલ્યાણ શિવ વંદના પદયાત્રા' વેરાવળ સોમનાથ ખાતે ભક્તિભાવપૂર્વક સંપન્ન થઈ છે. જનકલ્યાણ, સારા આરોગ્ય અને રાજ્યના વિકાસની કામના સાથે યોજાયેલી આ ૨૨૯ કિલોમીટરની પદયાત્રાએ સાદગી અને લોકસેવાનું નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે હોવાનું શ્રી વિનોદ નાગાણીએ જણાવ્યું છે.
ઐતિહાસિક પદયાત્રા અને ઉદ્દેશ્ય
જેમ રાજમાતા મીનળદેવીએ જનકલ્યાણ અર્થે શિવલિંગની સ્થાપના કરી હતી, તે જ રીતે જસદણ-વિંછિયાના ધારાસભ્ય અને મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાએ લોકહિત માટે આ બીજું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. આ અગાઉ ૧૩ વર્ષ પહેલાં પણ તેમણે આવી પદયાત્રા કરી હતી. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોના સારા સ્વાસ્થ્ય, ગુજરાતના વેગવંતા વિકાસ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હતો.
૩૨ ગામોમાં અભૂતપૂર્વ સ્વાગત અને લોકસંપર્ક
તારીખ ૨૦-૧૨-૨૦૨૫ ના રોજ ઘેલા સોમનાથ મહાદેવની પૂજા-અર્ચના સાથે શરૂ થયેલી આ યાત્રા ૮ દિવસ સુધી ચાલી હતી. આ દરમિયાન જસદણ, આટકોટ, ખારચિયા, વીરનગર, બળધોઈ, હનુમાન ખારચિયા, મોટા દડવા, ઈશ્વરિયા, કોટડાસાંગાણી, પીપળિયા, કરમાળકોટડા, નાના-મોટા માંડવા, રામોદ, ઘોઘાવદર, ગોંડલ, જામવાડી, ચોરડી, વીરપુર, પીઠડિયા, જેતપુર, ચોકી, વડાલ, જૂનાગઢ, વંથલી, અગતરાય, કેશોદ, ભંડુરી અને સુપાસી સહિતના ૩૨ ગામોમાં મંત્રીશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. માર્ગમાં આવતા દરેક ગામના સરપંચો, આગેવાનો, વેપારી મહાજન અને ગ્રામજનોએ ઢોલ-નગારા સાથે અને ફૂલોની પાંખડીઓ વેરીને યાત્રાને વધાવી લીધી હતી. ગોંડલ, જેતપુર અને કેશોદમાં વેપારીઓ અને વિવિધ સમાજના લોકોએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું.
સાદગી અને સમર્પણઃ કુંવરજીભાઇ યાત્રીકો સાથે જ જમ્યા અને સુતા
આ પદયાત્રાની સૌથી નોંધનીય બાબત મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયાની સાદગી હતી. યાત્રા દરમિયાન અન્ય પદયાત્રીઓને જે સુવિધાઓ મળી હતી, તે જ સુવિધાઓનો ઉપયોગ કુવરજી ભાઈએ કર્યો હતો. યાત્રીકોએ જે ભોજન લીધું, તે જ ભોજન મંત્રીશ્રીએ લીધું હતું અને જ્યાં સામાન્ય યાત્રીકોએ રાત્રી વિશ્રામ કર્યો, ત્યાં જ તેમણે પણ વિશ્રામ કર્યો હતો. આ સાદગી જોઈને લોકોમાં ‘માનવ દેહમાં ઈશ્વરીય તત્વ'હોવાની અનુભૂતિ થઈ હતી.
મહાનુભાવોને વંદન અને મંદિરોમાં દર્શન
યાત્રાના રૂટ પર આવતા ગાંધીજી, સરદાર પટેલ, ભગવાન રામ, જલારામ બાપા, પરશુરામજી, બાબાસાહેબ આંબેડકરજી, સ્વ. ઈન્દિરા ગાંધી તેમજ સોમનાથની રક્ષા કાજે બલિદાન આપનાર વીર વેગડાજી ભીલ અને હમીરજી ગોહિલ જેવી પ્રતિમાઓને ફુલહાર કરી વંદન કરવામાં આવ્યા હતા. ઉપરાંત ખોડિયાર માતાજી મંદિર (કાગવડ), જલારામ મંદિર (વીરપુર) અને ભવનાથ મહાદેવ (જૂનાગઢ) જેવા મંદિરોએ શીશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા.
રોજગાર મેળા અને લોકડાયરો
યાત્રા માત્ર ભક્તિ પૂરતી સીમિત ન રહેતા, તે લોકજાગળતિનું માધ્યમ પણ બની હતી. ‘મંગલમ'ની બહેનો દ્વારા ઠેર-ઠેર રોજગારલક્ષી મેળાઓ યોજવામાં આવ્યા હતા.
જૂનાગઢમાં રાત્રી રોકાણ દરમિયાન લોકસાહિત્યકાર રાજભા ગઢવીનો ભવ્ય લોકડાયરો યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. મંત્રીશ્રીએ સભાઓમાં વ્યસન મુક્તિ, ટ્રાફિક નિયમો અને સ્વચ્છતા અંગે લોકોને માર્ગદર્શન આપ્યું હતું.
સોમનાથ મહાદેવના સાનિધ્યમાં યાત્રાની પૂર્ણાહુતિ
યાત્રાના અંતિમ દિવસે, તારીખ ૨૭-૧૨-૨૦૨૫ ના રોજ સવારે ૯ કલાકે તમામ પદયાત્રીઓ સાથે શ્રી કુંવરજીભાઈ બાવળીયા સોમનાથ મંદિરના મુખ્ય દ્વારે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવના શિખર દર્શન અને પૂજા-અર્ચના કરી ધન્યતા અનુભવી હતી.
કુંવરજી ભાઈએ સોમનાથ દાદાની ધ્વજાની પૂજા કરીઁ
વાજતે-ગાજતે -દક્ષિણા કરી કુંવરજી ભાઈએ ધ્વજા ચડાવી હતી. અંતમાં તમામ યાત્રીકોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને મંત્રીશ્રીએ તમામ પદયાત્રીઓ માટે પરત જવાની વ્યવસ્થા પણ કરી આપી હતી.
આ યાત્રામાં યુવાનોને પણ શરમાવે તેવા ઉત્સાહ સાથે કુંવરજીભાઈ ચાલ્યા હતા. પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત અને આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ સેવાઓ સતત સાથે રહી હતી. આ પદયાત્રા ખરા અર્થમાં ‘ન ભૂતો ન ભવિષ્યતિ' સમાન બની રહી હતી.
આલેખનઃ
વિનોદ પી. નાગાણી
(એમકોમ. બીજેએમસી)
પ્રમુખશ્રી, ભાજપ બક્ષી મંચ મોરચો રાજકોટ જિલ્લો; પ્રવક્તા : શ્રી માંધાતા ગ્રુપ ગુજરાત અને કોળી સેના ગુજરાત; ઉપ-મુખ તળપદા કોળી સમાજની વાડી જુનાગઢ. મો.૯૭૧૨૧૬૪૪૯૬, મુ.કણકોટ, વાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, તાલુકો અને જીલ્લો રાજકોટ)
(11:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
