News of Wednesday, 21st January 2026
ઓબીસી સમાજને અનામત મળ્યું તો અમને કેમ નહીં ?: સવર્ણ જ્ઞાતિના આગેવાનોની ગાંધીનગરમા ચિંતન શિબિર
પાટીદાર, બ્રાહ્મણો, ક્ષત્રિયો સહિત સવર્ણ વર્ગોની ચૂંટણીમાં ૧૦% અનામતની માંગઃ માંગણી નહીં સ્વીકારવામાં આવે તો સ્થાનિક ચૂંટણીઓ સ્થગિત રાખવા સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકીઃ શિક્ષણ અને રોજગાર બાદ ચૂંટણીમાં પણ ૧૦% અનામત આપી ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવા મુખ્ય મંત્રીને રજૂઆત કરાશેઃ પાટીદાર અનામત આંદોલન જેવુ બીજુ આંદોલન ઉભુ થશે ?

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૨૧: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ઢોલ ઢબૂકી રહ્યા છે ત્યારે ગઈકાલે ગાંધીનગર ખાતે પાટીદાર, બ્રાહ્મણ, ક્ષત્રિય સહિત સવર્ણ સમાજના આગેવાનોની બેઠક મળી હતી જેમાં બિન અનામત વર્ગમાં આવતા સમાજોને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઇ.ડબલ્યુ.એસ. હેઠળ દસ ટકા અનામત આપવાની માંગણી કરવામાં આવી હતી અને મુખ્યમંત્રીને ફરીવાર રજૂઆત કરી માંગણી ન સ્વીકારવામાં આવે તો સુપ્રીમ કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે ગઈકાલે મળેલ બેઠકમાં ઉપસ્થિત સવર્ણ સમાજના આગેવાનોએ ચૂંટણીમાં ૧૦% અનામત આપવા તેમજ ઝવેરી પંચના અહેવાલ મુજબ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં રોસ્ટર થકી નક્કી કરાયેલ ઓ.બી.સી.અનામતમાં વિસંગતતા હોવાનું જણાવ્યું હતું બેઠકમાં થયેલ ચર્ચા મુજબ જે વિસ્તારમાં બિન અનામત વર્ગની બહોળી સંખ્યા છે તેવા વિસ્તારમાં ઓ.બી.સી અનામત અપાય છે તેમ જ એસ.સી. સમાજની બહુમતી છે તેવા વિસ્તારમાં પણ ઓ.બી.સી.અનામત ફાળવી આડેધડ રોસ્ટર નક્કી કરવામાં આવ્યું હોવાનો આક્ષેપ પણ આગેવાનો દ્વારા કરવામાં આવ્યો હતો.
આ અંગે પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ ‘‘અકિલા''સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રોસ્ટરની ફાળવણી અને વોર્ડની આકારણી વસ્તીના આધારે થવી જોઈએ આમ છતાં એવું અમુક જગ્યાએ ન થયું હોય સુપ્રીમ કોર્ટની ગાઈડ લાઈનનો ભંગ થતો હોવા બાબતે રાજ્ય ચૂંટણી પંચમાં પણ રજૂઆત કરવામાં આવી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઇ.ડબલ્યુ.એસ. હેઠળ ચૂંટણીમાં સવર્ણ વર્ગોને ૧૦% અનામતનો લાભ નહીં મળે તો ઉત્તરપ્રદેશની જેમ ગુજરાતમાં પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણી મોકૂફ રાખવા માટે અમો સુપ્રીમ કોર્ટમાં રીટ કરવાની તૈયારી કરી રહ્યા છીએ જેના માટે ૧૦૯ બિન અનામત જ્ઞાતિ અને તેમના આગેવાનો સાથે અમારી કોર કમિટી વાતચીત કરશે અને તમામને સાથે રાખી આગામી દિવસોમાં ૧૦% અનામતની માંગ તીવ્ર બનાવવામાં આવશે.
આગામી દિવસોમાં યોજાનાર ૧૫ મ્યુનિસિપલ કોર્પોરેશન, ૮૦ નગરપાલિકા, ૩૩ જિલ્લા પંચાયતો અને ૨૫૦ થી વધારે તાલુકા પંચાયતની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે તે પહેલા ઇ.ડબલ્યુ.એસ.ની માંગ કરી સરકાર સામે સવર્ણ આગેવાનોએ મોરચો ખોલ્યો છે ત્યારે આ બાબતે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે.
ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવા માંગ
ગાંધીનગર તા.૨૧: ગાંધીનગર ખાતે મળેલ બેઠકમાં ઝવેરી કમિશનનો રિપોર્ટ જાહેર કરવા અને તેમાં રહેલ ક્ષતિ સુધારવા માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટ દ્વારા ૨૦૧૦ માં પાંચ ન્યાયમૂર્તિની બંધારણીય બેન્ચે ચુકાદો આપ્યો હતો જેમાં થી જ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ઓ.બી.સી.અનામતની માંગની શરૂઆત થઈ હતી ચુકાદાથી સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે હતું કે કલમ ૧૫(૪) હેઠળ શિક્ષણ અને કલમ ૧૬(૪) હેઠળ નોકરીમાં મળતી અનામત કરતા કલમ ૨૪૩ ડિ(૬)અને ૨૪૩ ટી(૬)હેઠળ ચૂંટણીમાં મળતી અનામત એ અલગ વિષય છે.
ચૂંટણીમાં અનામત લાગુ નહીં કરાય તો પાટીદાર આંદોલન જેવું બીજું આંદોલન શરૂ થશે
ગાંધીનગર તા.૨૧: ગઇકાલે મળેલ સવર્ણ સમાજના આગેવાનોની બેઠકમાં આગેવાનોએ સરકાર સામે મોરચો ખોલી જણાવ્યું હતું કે રાજ્યની ચૂંટણીમા ૧૦% અનામત લાગુ નહીં કરવામાં આવે તો અગાઉ પાટીદાર સમાજ દ્વારા અનામત આંદોલન થયું હતું તેવા બીજા આંદોલનનો જન્મ થશે.
બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યના દરેક સાંસદો અને ધારાસભ્યોને પણ આ અંગે આવેદનપત્ર આપી માંગણી પ્રબળ બનાવવામાં આવશે અને જરૂર પડ્યે રાજ્યભરમા સવર્ણ સમાજના આગેવાનો સાથે બેઠકો કરવામાં આવશે.
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
