News of Wednesday, 21st January 2026
ગુજરાતની ગ્રાન્ટેડ માધ્યમિક શાળામાં શિક્ષકો, કલાર્ક,પટ્ટાવાળા,ગ્રંથપાલની ભરતી કરવા માંગ
ગુજરાત રાજય આચાર્ય સંઘ દ્વારા મુખ્યમંત્રીની રજૂઆત

રાજકોટ, તા.૨૧: ગુજરાત રાજયની ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં વર્ષોની શિક્ષકો, કલાર્ક,ગ્રંથપાલ અને પટ્ટાવાળાની જગ્યા ખાલી છે તેની ભરતી કરવા ગુજરાત રાજય આચાર્ય સંઘ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મુખ્યમંત્રીને રજૂઆત કરતા ગુજરાત રાજય આચાર્ય સંઘની યાદીમાં જણાવ્યું છે. વંદે માતરમ સહ સવિનય ઉપરોક્ત વિષયના અનુસંધાનમાં જણાવવાનું કે રાજ્યની ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ.મા. શાળાઓમાં વર્ષ ૨૦૧૨ પછી લગભગ છેલ્લા ૧૪ વર્ષથી ક્લાર્ક પટાવાળા ની ભરતી થયેલ નથી. આશરે ૪૬૦૦ જેટલી શાળાઓમાંથી ૧૭૦૦ જેટલી શાળાઓમાં એક પણ ક્લાર્ક નથી, જ્યારે ૩૦૦૦ જેટલી પટાવાળાની જગ્યાઓ ખાલી છે. આ ઉપરાંત ગ્રંથપાલ અને શિક્ષકોની પણ આશરે ૬,૦૦૦ જેટલી જગ્યાઓ ખાલી છે
સરકારશ્રી દ્વારા દરરોજ ૧૦ થી ૧૨ પ્રકારની જુદી જુદી માહિતી ઓનલાઇન અને ઓફલાઈન માંગવામાં આવે છે. ક્લાર્ક ના અભાવે શિક્ષકોની પણ ઘટ હોવા છતાં નછૂટકે આ કામગીરી આચાર્ય/શિક્ષકો દ્વારા કરાવવાની ફરજ પડે છે જેના પરિણામે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને માઠી અસર પહોંચે છે.
તેથી ગુજરાતના વિદ્યાર્થીઓના શિક્ષણના વ્યાપક હિતમાં વહેલામાં વહેલી તકે ક્લાર્ક, પટાવાળા, ગ્રંથપાલ તથા શિક્ષકોની તમામ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી કરવા સમગ્ર રાજ્યમાંથી વ્યાપક પ્રમાણમાં રજૂઆતો મળેલ છે જે ધ્યાને લઈ ઘટતું કરવા અમારી આગ્રહ પૂર્વકની લાગણી અને માંગણી છે.
જ્યાં સુધી કાયમી ભરતી ન થાય ત્યાં સુધી હાલ પૂરતા વૈકલ્પિક વ્યવસ્થા રૂપે શાળા સહાયક, આઉટ ર્સોસિંગથી પટાવાળા આપવા તથા જ્ઞાન સહાયક ની લાયકાતમાં જરૂરી છૂટછાટ આપી કરાર આધારિત હંગામી નિમણુંક આપવા વિનંતી છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
