<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd January 2026

મહેસાણા જિલ્લામાં વાતાવરણમાં અચાનક પલટો : શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા

વાતાવરણમાં એકાએક ભેજ અને ઠંડકનું પ્રમાણ વધવાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા: બેવડી ઋતુના કારણે લોકોના આરોગ્ય પર પણ વિપરિત અસર થઈ શકે

અમદાવાદ :હવામાન વિભાગ દ્વારા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી ગુજરાતમાં ઠંડીનું જોર ઘટવાની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે મહેસાણા જિલ્લામાં સમી સાંજે વાતાવરણમાં નાટ્યાત્મક પલટો આવ્યો હતો.

શિયાળાની સિઝનમાં મહેસાણાનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ જતાં વરસાદી માહોલ સર્જાયો હતો. જેના પગલે મહેસાણા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદના છાંટા પડતા લોકોમાં અચરજ ફેલાયું હતુ.

મહેસાણાના વાતાવરણમાં એકાએક ભેજ અને ઠંડકનું પ્રમાણ વધવાથી ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. હાલ ખેતરમાં શિયાળુ પાક તૈયાર થઈ રહ્યો છે, ત્યારે કમોસમી વરસાદથી ખેડૂતોને પાક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. બીજી તરફ બેવડી ઋતુના કારણે લોકોના આરોગ્ય પર પણ વિપરિત અસર થઈ શકે છે અને શરદી અને ખાંસી જેવા રોગો વધવાની શક્યતા રહે છે.

 

(11:10 PM IST)