<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

મુખ્યમંત્રી અને સમાજની એકતાથી ન્યાયની જીત થઇ :જયરાજ આહીરની ધરપકડ પર મંત્રી પરષોત્તમભાઈ સોલંકીનું નિવેદન

પરષોત્તમભાઈ સોલંકીએ કહ્યું કે નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમાજના તમામ આગેવાનોએ જે મહેનત કરી હતી તે આજે રંગ લાવી છે

તળાજા ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને જાણીતા લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરની ધરપકડ થતા જ રાજકીય ગરમાવો આવી ગયો છે. નવનીત બાલધિયા મારપીટ કેસમાં આ મહત્વની કાર્યવાહી બાદ રાજ્યના મંત્રી પરષોત્તમભાઈ સોલંકીએ પ્રતિક્રિયા આપીને ન્યાયની પ્રક્રિયાને બિરદાવી છે.

પરષોત્તમભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, નવનીત બાલધિયાને ન્યાય અપાવવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને સમાજના તમામ આગેવાનોએ જે મહેનત કરી હતી તે આજે રંગ લાવી છે. તેમણે ઉમેર્યું કે, "આ કેસમાં માત્ર એક સમાજ નહીં, પરંતુ તમામ સમાજ નવનીત માટે એકતાના સૂત્રે બંધાયો હતો અને તે જ આ સફળતાનું કારણ છે.

મંત્રી સોલંકીએ આ ઘટનાને એક દાખલા તરીકે ગણાવતા કહ્યું કે, ભવિષ્યમાં કોઈપણ વ્યક્તિ આવું કૃત્ય કરવાની હિંમત ન કરે તે જોવું જરૂરી છે. તેમણે અપીલ કરી હતી કે જે રીતે નવનીત માટે તમામ સમાજ એક થયો, તેવી જ રીતે આગામી સમયમાં પણ ભાઈચારો અને એકતા જળવાઈ રહેવી જોઈએ.સમાજમાં ભવિષ્યમાં આવા દુખદ બનાવો ન બને તે માટે દરેક સ્તરે તકેદારી રાખવી અનિવાર્ય છે.

 

(12:18 AM IST)