News of Sunday, 25th January 2026
NRI ટાવર ડબલ મર્ડર મિસ્ટ્રી: પત્નીનું મોત 'અકસ્માત' નહીં પણ 'હત્યા', યશરાજસિંહ વિરુદ્ધ પોલીસ ખુદ બની ફરિયાદી
ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ: રિવોલ્વરનું ટ્રિગર આપમેળે દબાય જ નહીં, માથામાં પાછળના ભાગે ઈરાદાપૂર્વક ગોળી મારી હોવાના પુરાવા મળતા મચ્યો ખળભળાટ, પતિની માનસિકતા જાણવા તેના ૭ વર્ષ પહેલાના છૂટાછેડાના રહસ્યો ખોલશે પોલીસ

અમદાવાદ: અમદાવાદના પોશ ગણાતા બોડકદેવ વિસ્તારના NRI ટાવરમાં થયેલા દંપતીના રહસ્યમય મોતની ઘટનામાં હવે પોલીસ તપાસમાં ચોંકાવનારો વળાંક આવ્યો છે. શરૂઆતમાં જે ઘટનાને અકસ્માત ગણાવવામાં આવી રહી હતી, તે હવે આયોજનબદ્ધ હત્યા હોવાનું સામે આવ્યું છે. યશરાજસિંહ ગોહિલે પોતાની પત્ની રાજેશ્વરીબાને ભૂલથી નહીં, પરંતુ ઈરાદાપૂર્વક તાકીને ગોળી મારી હોવાના સજ્જડ પુરાવા મળતા પોલીસે મૃતક પતિ યશરાજસિંહ વિરુદ્ધ જ હત્યાનો ગુનો નોંધ્યો છે. આ કેસમાં હવે પોલીસ પોતે જ ફરિયાદી બની છે, જે શહેરના ક્રાઈમ ઈતિહાસમાં એક મહત્વનો વળાંક માનવામાં આવે છે.
તપાસ કરી રહેલી ફોરેન્સિક ટીમ અને નિષ્ણાત ડૉક્ટરોએ રજૂ કરેલા અભિપ્રાય મુજબ, યશરાજસિંહની રિવોલ્વર એવા પ્રકારની હતી કે તેનું ટ્રિગર લોક કર્યા વગર કે જોરથી દબાવ્યા વગર આપમેળે ગોળી છૂટી શકે નહીં. રાજેશ્વરીબાને માથાના પાછળના ભાગે વચ્ચોવચ ગોળી વાગી હોવાથી એ સાબિત થાય છે કે તેમને નિશાન બનાવીને ખતમ કરવામાં આવ્યા હતા. આ મજબૂત વૈજ્ઞાનિક પુરાવાઓના આધારે ઝોન-૧ DCP ડૉ. હર્ષદ પટેલે આદેશ આપીને તપાસનો દોર ACP જયેશ બ્રહ્મભટ્ટને સોંપ્યો છે. જોકે, હજુ પોસ્ટમોર્ટમ અને વિગતવાર FSL રિપોર્ટ આવવાના બાકી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં જ હત્યાનું પાસું સ્પષ્ટ થઈ ગયું છે.
આ હત્યાકાંડ પાછળનું સાચું કારણ શું હતું? તે જાણવા માટે પોલીસ હવે ઊંડી તપાસ કરી રહી છે. મૃતક દંપતીના બેડરૂમમાંથી મળી આવેલા બંને મોબાઈલ ફોનને FSLમાં મોકલી દેવાયા છે, જેથી તેમની અંતિમ ક્ષણોના મેસેજ કે કોલ રેકોર્ડ જાણી શકાય. માત્ર બે મહિનાના લગ્નગાળામાં એવું તે શું બન્યું કે યશરાજસિંહે પત્નીની હત્યા કરી પોતે પણ જીવન ટૂંકાવ્યું? તે સવાલનો જવાબ મેળવવા માટે સોસાયટીના રહીશો અને પરિવારજનોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે. પોલીસને શંકા છે કે બંને વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઉગ્ર વિવાદ ચાલતો હોઈ શકે છે.
પોલીસની તપાસ હવે યશરાજસિંહના ભૂતકાળ સુધી લંબાઈ છે. માહિતી મળી છે કે યશરાજસિંહે સાત વર્ષ પહેલાં તેની પ્રથમ પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. તેમની માનસિકતા અને સ્વભાવને સમજવા માટે અમદાવાદ પોલીસ હવે તેની પ્રથમ પત્ની અને તેમના પરિવારનો સંપર્ક કરી રહી છે. શું યશરાજસિંહ ગુસ્સાવાળા સ્વભાવના હતા કે પછી તેમની કોઈ અન્ય ગુનાહિત માનસિકતા હતી? તે જાણવું આ કેસના ઉકેલ માટે ખૂબ જ જરૂરી છે. ભાવનગરના લાયસન્સ વાળી રિવોલ્વરથી ખેલાયેલો આ લોહિયાળ ખેલ અમદાવાદના હાઈ-પ્રોફાઈલ સોસાયટીઓમાં સુરક્ષા અને અંગત વિવાદો પર અનેક સવાલો ઉભા કરી રહ્યો છે.
(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
