<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

અમદાવાદ એરપોર્ટ પર ૧૨ કરોડના 'હાઈબ્રીડ ગાંજા'નો પર્દાફાશ: મલેશિયાથી નશાની ખેપ લાવતા ૪ ધરપકડ

બેંગકોક વાયા મલેશિયા થઈને ડ્રગ્સ ઘુસાડવાનું આંતરરાષ્ટ્રીય કાવતરું નિષ્ફળ; કસ્ટમ્સ વિભાગે ૧૨ કિલોથી વધુનો હાઈ ગ્રેડ નશો પકડી પાડ્યો, પંજાબ અને વડોદરાના શખ્સોની સિન્ડિકેટમાં સંડોવણી

અમદાવાદ: અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર કસ્ટમ્સ અને સુરક્ષા એજન્સીઓએ એક અત્યંત સચોટ ઓપરેશન પાર પાડીને કરોડોના ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. એરપોર્ટ પર ઉતરેલી મલેશિયા એરલાઈન્સની ફ્લાઈટના પેસેન્જરો પર ચાંપતી નજર રાખતી એજન્સીઓએ ૧૨.૪ કિલોગ્રામ 'હાઈબ્રીડ ગાંજો' જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ઉચ્ચ ગુણવત્તાના નશીલા પદાર્થની કિંમત આશરે ૧૨ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. બાતમીના આધારે કરાયેલી આ કાર્યવાહીથી ડ્રગ્સ માફિયાઓમાં ફાળ પડી ગઈ છે.
આ હાઈ-પ્રોફાઈલ કેસમાં એજન્સીઓએ ચાર શખ્સોની ધરપકડ કરી છે, જેમના નામ અજય પાંડે, સંદીપ, રોની અને મનપ્રિત હોવાનું ખુલ્યું છે. શંકાસ્પદ હિલચાલ જણાતા જ્યારે તેમના સામાનનું હાઈ-ટેક સ્કેનિંગ કરવામાં આવ્યું, ત્યારે પેક કરેલા માલમાંથી નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો. આ ડ્રગ્સ સિન્ડિકેટના તાર વિદેશી ધરતી સાથે જોડાયેલા છે, જેમાં આરોપીઓ બેંગકોકથી વાયા કુઆલાલમ્પુર થઈને અમદાવાદ પહોંચ્યા હતા. ગુજરાતમાં ડ્રગ્સ ઘુસાડવા માટે આ શખ્સોએ 'મુસાફરો' તરીકેનો વેશ ધારણ કર્યો હતો.
પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે આ ટોળકીમાં વડોદરાનો એક વતની સામેલ છે, જ્યારે બાકીના ત્રણ શખ્સો પંજાબના જલંધરના રહેવાસી છે. પંજાબ અને ગુજરાતનું આ કનેક્શન ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ દ્વારા હાઈબ્રીડ ગાંજાને ભારતીય બજારમાં ઉતારવા માટે ઉપયોગમાં લેવામાં આવતું હતું. હાઈબ્રીડ ગાંજો સામાન્ય ગાંજા કરતા અનેકગણો વધુ નશીલો અને મોંઘો હોય છે, જેની માંગ મેટ્રો શહેરોની હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં વધુ રહેતી હોય છે.
હાલમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) અને અન્ય એજન્સીઓ આ મામલે ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે આ જથ્થો ગુજરાતમાં કોને સપ્લાય કરવાનો હતો. એરપોર્ટ પર આટલો મોટો જથ્થો પકડાવો તે સુરક્ષા એજન્સીઓની મોટી સફળતા માનવામાં આવે છે. શું આ આરોપીઓ અગાઉ પણ આવી ખેપ મારી ચૂક્યા છે? અને મલેશિયામાં બેઠેલા આ રેકેટના હેન્ડલર્સ કોણ છે? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

(3:01 PM IST)