<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

એક બાદ એક સર્જાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ શક્યતા વધી ગઈ : હવામાનમાં પલટો માત્ર જાન્યુઆરીના અંતમાં જ નહીં, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ જોવા મળશે : અંબાલાલ પટેલની આગાહી

આગામી 27, 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે : રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે

અમદાવાદ તા.૨૫ : ગુજરાતમાં અત્યારે કાતિલ ઠંડીનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, એક બાદ એક સર્જાઈ રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા વધી ગઈ છે. આ પલટો માત્ર જાન્યુઆરીના અંતમાં જ નહીં, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં પણ જોવા મળશે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ, આગામી 27, 28 અને 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે. આ ત્રણ દિવસો દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. ખાસ કરીને પશ્ચિમ વિક્ષેપો સક્રિય થવાને કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેની સીધી અસર જોવા મળશે. ચિંતાજનક વાત એ છે કે માવઠાનો આ સિલસિલો જાન્યુઆરીમાં અટકશે નહીં. અંબાલાલ પટેલની આગાહી મુજબ, ફેબ્રુઆરી મહિનાના પ્રથમ બે સપ્તાહ દરમિયાન પણ રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. ફેબ્રુઆરીમાં વારંવાર બદલાતા પવનો અને ભેજને કારણે ખેતીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે.

 

માવઠાની સૌથી વધુ અસર રાજ્યના વિવિધ ભાગોમાં જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને તેની આસપાસના ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. તથા દાહોદ, પંચમહાલ, મહીસાગર અને છોટાઉદેપુરમાં પણ માવઠાની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા ઓછી છે, પરંતુ વાદળછાયું વાતાવરણ રહેશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, જેવું આ પશ્ચિમ વિક્ષેપ હટશે, કે તરત જ પવનની દિશા બદલાશે. જાન્યુઆરીના અંતમાં વરસાદી માહોલ વિદાય લેતાની સાથે જ રાજ્યમાં ફરી એકવાર ઠંડીનો જોરદાર ચમકારો શરૂ થશે. આમ, ફેબ્રુઆરીની શરૂઆતમાં ડબલ ઋતુનો અનુભવ થયા બાદ કાતિલ ઠંડીનો નવો રાઉન્ડ આવવાની શક્યતા છે.

(4:09 PM IST)