<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th January 2026

ગોધરા રેલવે સ્ટેશન પર હાઈ-વોલ્ટેજ ડ્રામા: બોમ્બ સ્ક્વોડ અને સ્નિફર ડોગ્સના ધાડેધાડા ઉતર્યા

સરહિંદ બ્લાસ્ટના ઇનપુટ બાદ હાઈ-એલર્ટ: સુરક્ષા એજન્સીઓએ એક-એક ઇંચ ખૂંદી વળ્યું, મુસાફરોમાં મચી અફરાતફરી

ગોધરા:પંજાબના સરહિંદ સ્ટેશન પર RDX બ્લાસ્ટની આશંકાના ગુપ્તચર અહેવાલોએ સમગ્ર દેશના રેલવે નેટવર્કને હચમચાવી દીધું છે. આ ગંભીર ચેતવણીના પગલે પશ્ચિમ રેલવેના સૌથી સંવેદનશીલ મનાતા ગોધરા રેલવે સ્ટેશન પર અચાનક સુરક્ષાના ચક્રવ્યૂહ ગોઠવી દેવામાં આવ્યા હતા. જાણે કોઈ જંગ જેવી સ્થિતિ સર્જાઈ હોય તેમ, હથિયારધારી જવાનો અને તપાસ એજન્સીઓના ધાડેધાડા પ્લેટફોર્મ પર ઉતરી આવતા મુસાફરોમાં એક ક્ષણ માટે ફફડાટ વ્યાપી ગયો હતો.
ઓપરેશનની શરૂઆત બપોરે બરાબર 12 વાગ્યે થઈ હતી. GRP અને RPFના જવાનોએ સ્ટેશનના તમામ પ્રવેશદ્વારો સીલ કરી દીધા હતા. BDDS (બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ) ના નિષ્ણાતો અત્યાધુનિક ઉપકરણો સાથે મેદાને ઉતર્યા હતા, જ્યારે તાલીમબદ્ધ સ્નિફર ડોગ્સે શંકાસ્પદ ગંધ પારખવા માટે દોડધામ શરૂ કરી હતી. પ્લેટફોર્મ પર પડેલી દરેક બેગ અને બિનવારસી વસ્તુઓની એવી રીતે તપાસ કરવામાં આવી રહી હતી કે જાણે જોખમ ગમે ત્યારે ફાટી નીકળશે.
તપાસનો વ્યાપ માત્ર પ્લેટફોર્મ પૂરતો મર્યાદિત ન રહ્યો, પરંતુ રેલવે યાર્ડ, નિર્જન ટ્રેક અને મુસાફરખાનાના ખૂણેખૂણાને ઝીણવટપૂર્વક તપાસવામાં આવ્યા હતા. મુસાફરોનો સામાન મેટલ ડિટેક્ટર દ્વારા ચેક કરવામાં આવ્યો હતો અને શંકાસ્પદ હિલચાલ ધરાવતા વ્યક્તિઓની કડક પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય સર્ચ ઓપરેશન દરમિયાન અધિકારીઓ સતત વોકી-ટોકી પર સૂચનાઓ આપી રહ્યા હતા, જેના કારણે વાતાવરણ ભારે તણાવપૂર્ણ બની ગયું હતું.
અંતે, એક કલાકના શ્વાસ અધ્ધર કરી દે તેવા ઓપરેશન બાદ કોઈ વાંધાજનક સામગ્રી કે કેમિકલ મળી ન આવતા સુરક્ષા એજન્સીઓએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, આ તપાસ માત્ર એક કવાયત નહોતી પરંતુ આતંકવાદી મનસૂબાઓ સામેની સજ્જતાનું પ્રદર્શન હતું. રેલવે તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ભલે અત્યારે સ્થિતિ સામાન્ય છે, પરંતુ આગામી દિવસોમાં પણ ‘ઝીરો ટોલરન્સ’ ની નીતિ સાથે કડક નજર રાખવામાં આવશે.

(4:40 PM IST)