તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૯, ગુરૂવાર
News of Sunday, 25th January 2026
નર્મદા કિનારે આવેલા માંગરોળ ગામે આસ્થા અને ભક્તિનો મહાસાગર ઉમટ્યો : નર્મદા જયંતી નિમિત્તે સમગ્ર પંથક 'નર્મદે સર્વદે' ના નાદથી ગુંજી ઉઠ્યો : 1500 ફૂટ લાંબી સાડી અને નૌકા વિહાર
બે વર્ષ પહેલા આ જ માંગરોળ ગામમાં નર્મદાના ભયાનક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા અને આખું ગામ જળબંબાકાર થઈ ગયું હતું તેમ છતાં કુદરતી આપદા ગ્રામજનોની આસ્થા ડગાવી શકી નથી

રાજપીપળા તા.૨૫ : નર્મદા જિલ્લો એટલે નર્મદા મૈયાનું સાક્ષાત્ ધામ. જેના માત્ર દર્શન કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જાય છે, તેવી જીવાદોરી સમાન માં નર્મદાની આજે નર્મદા જયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નર્મદા કિનારે આવેલા માંગરોળ ગામે આસ્થા અને ભક્તિનો એવો મહાસાગર ઉમટ્યો હતો કે સમગ્ર પંથક 'નર્મદે સર્વદે' ના નાદથી ગુંજી ઉઠ્યો હતો.
1500 ફૂટ લાંબી સાડી અને નૌકા વિહાર
માંગરોળ ગામના ગ્રામજનો અને હજારો શ્રદ્ધાળુઓએ ભેગા મળીને માં નર્મદાને 1500 ફૂટ (અંદાજે 450 મીટર) લાંબી સાડી અર્પણ કરવાનો અનોખો મનોરથ પૂર્ણ કર્યો હતો. આ સાડીને અર્પણ કરવા માટે 10 થી વધુ નૌકાઓનો સહારો લેવામાં આવ્યો હતો. શ્રદ્ધાળુઓએ નદીની મધ્યમાં જઈ, ભક્તિભાવ સાથે મા નર્મદાને ચુંદડી ઓઢાડી હતી. આ દ્રશ્ય એટલું ભવ્ય હતું કે જાણે નર્મદાના નીર પોતે લહેરાતી સાડીના શણગાર સજી રહ્યા હોય!
હોનારત પર હાવી થઈ અતૂટ આસ્થા
નોંધનીય છે કે, બે વર્ષ પહેલા આ જ માંગરોળ ગામમાં નર્મદાના ભયાનક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના પાક ધોવાઈ ગયા હતા અને આખું ગામ જળબંબાકાર થઈ ગયું હતું. તેમ છતાં, કુદરતી આપદા ગ્રામજનોની આસ્થા ડગાવી શકી નથી. પૂરની હોનારત વેઠ્યા પછી પણ લોકોમાં માં નર્મદા પ્રત્યે અપાર પ્રેમ અને કૃતજ્ઞતાનો ભાવ જોવા મળ્યો હતો.
ભવ્ય શોભાયાત્રા અને મહાપૂજા
નર્મદા જયંતી નિમિત્તે ગામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હજારોની સંખ્યામાં ભક્તો પદયાત્રા કરી નદી કિનારે પહોંચ્યા હતા અને માં નર્મદાની મહાપૂજા તેમજ આરતી કરી હતી. ભારતની એકમાત્ર એવી નદી જેની પરિક્રમા થાય છે, તેની પ્રત્યેની આ ભક્તિએ આજે એક નવો રેકોર્ડ પ્રસ્થાપિત કર્યો છે.
(4:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
