હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ગુજરાત કોંગ્રેસમાં ‘યાદવાસ્થળી’ : જીગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચેનો વિવાદ વકરતા અમિત ચાવડા મેદાને : ભાજપના આકરા પ્રહાર
પાટણ SC મોરચાના પ્રમુખની નિમણૂક મુદ્દે બે દિગ્ગજ ધારાસભ્યો આમને-સામને : ભાજપે કોંગ્રેસને ‘વેન્ટિલેટર’ પર ગણાવી તો ચાવડાએ કહ્યું - "ગેરસમજ છે, ભાજપ પોતાની ચિંતા કરે"

અમદાવાદ : ગુજરાત રાજકારણમાં ફરી એકવાર આંતરિક જૂથવાદનો ગરમાવો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસના બે પ્રભાવશાળી ધારાસભ્યો, વડગામના જીગ્નેશભાઈ મેવાણી અને પાટણના કિરીટભાઈ પટેલ વચ્ચે ચાલી રહેલું શીતયુદ્ધ હવે જાહેરમાં આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે. આ વિવાદ મામલે કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પક્ષનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે ભાજપે કોંગ્રેસના અસ્તિત્વ પર જ સવાલ ઉઠાવ્યા છે.
શું છે વિવાદનું મૂળ કારણ?
આ સમગ્ર વિવાદ પાટણ જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જાતિ (SC) મોરચાના પ્રમુખ તરીકે જયાબેન શાહની નિમણૂકથી શરૂ થયો છે. આરોપ છે કે, આ નિમણૂક પાટણના સ્થાનિક ધારાસભ્ય કિરીટભાઈ પટેલની સંમતિ કે જાણ બહાર કરવામાં આવી છે. કિરીટભાઈના સમર્થકોનું માનવું છે કે જીગ્નેશભાઈ મેવાણીએ મનસ્વી રીતે આ નિમણૂક કરાવી પક્ષમાં પોતાનું વર્ચસ્વ જમાવવાનો પ્રયાસ કર્યો છે. વિવાદ ત્યારે વધુ વકર્યો જ્યારે પાટણમાં ‘વીર મેઘમાયા’ના કાર્યક્રમમાં જીગ્નેશભાઈએ કિરીટભાઈ પર કટાક્ષ કરતા કહ્યું હતું કે, "તારા જેવા ફૂદાનું ચણુંય નહીં આવે." આ નિવેદન બાદ પાટીદાર નેતાઓ પણ કિરીટભાઈના સમર્થનમાં ઉતરી આવ્યા છે.
અમિત ચાવડાનો બચાવ અને ભાજપ પર વળતો પ્રહાર:
આ આંતરિક લડાઈ અંગે પ્રતિક્રિયા આપતા અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, "લોકશાહી ઢબે ચાલતા પક્ષમાં વિચારોમાં ભિન્નતા હોઈ શકે છે. આ માત્ર એક ગેરસમજ છે, અમે ટૂંક સમયમાં સાથે બેસીને તેનું નિવારણ લાવીશું." તેમણે વધુમાં ઉમેર્યું કે ભાજપમાં પણ આંતરિક લડાઈઓ ચાલે છે, એટલે તેઓએ કોંગ્રેસની ચિંતા કરવાની જરૂર નથી.
ભાજપનો પલટવાર: "કોંગ્રેસની સંખ્યા ક્રિકેટ ટીમથી પણ ઓછી"
બીજી તરફ, ભાજપના પ્રવક્તા અનિલભાઈ પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, "ગુજરાત કોંગ્રેસ અત્યારે વેન્ટિલેટર પર છે. પક્ષમાં જાતિવાદી વિખવાદ એટલી હદે વધી ગયો છે કે ધારાસભ્યોની સંખ્યા હવે ક્રિકેટ ટીમ કરતા પણ ઓછી થઈ ગઈ છે." તેમણે કટાક્ષ કરતા ઉમેર્યું કે, આવનારા દિવસોમાં કોંગ્રેસની હાલત વોલીબોલ ટીમ જેવી થશે અને અંતે પક્ષ સાવ નામશેષ થઈ જશે.
કોંગ્રેસમાં જ્યારે પણ કોઈ મોટો કાર્યક્રમ કે ચૂંટણી નજીક હોય છે, ત્યારે નેતાઓ વચ્ચેના આવા મતભેદો પક્ષના પાયાના કાર્યકરોમાં નિરાશા જન્માવે છે. હવે જોવાનું એ રહે છે કે હાઈકમાન્ડ આ "યાદવાસ્થળી" રોકવા માટે શું પગલાં લે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
