News of Tuesday, 27th January 2026
અમદાવાદ મનપા સંચાલિત સ્કૂલ બોર્ડનું વર્ષ 2026-27નું સૌથી મોટું ઐતિહાસિક 1200 કરોડનું ડ્રાફટ બજેટ રજૂ કરાયું
રૂપિયા 1200 કરોડમાંથી 87 ટકા શાળાઓ માટે અને 13 ટકા વિદ્યાર્થીઓ પાછળ ખર્ચવામાં આવશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ષ 2026-27ના નાણાકીય વર્ષ માટેનું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સ્કૂલ બોર્ડના ચેરમેન, વાઇસ ચેરમેન અને અન્ય સભ્યોની ઉપસ્થિતિમાં શિક્ષણાધિકારી દ્વારા કુલ 453 થી વધુ શાળાઓ માટે ₹1200 કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક બજેટ રજૂ કરાયું હતું.
નોંધનીય છે કે ગત વર્ષે ડ્રાફ્ટ બજેટ ₹1094 કરોડનું હતું, જે સુધારા સાથે ₹1155 કરોડનું થયું હતું, જેની સરખામણીએ આ વર્ષે મોટો વધારો જોવા મળ્યો છે. વહીવટી તંત્ર દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ગત વર્ષના બજેટના અંદાજે 95% કામો સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે.
આ બજેટના આંકડાકીય માહિતી મુજબ કુલ ₹1200 કરોડમાંથી 87% રકમ એટલે કે ₹1044 કરોડ શિક્ષકો અને સ્ટાફના પગાર પાછળ ખર્ચવામાં આવશે, જ્યારે બાકીના 13% એટલે કે ₹156 કરોડ સીધા શાળા વિકાસ અને વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ફાળવવામાં આવ્યા છે. શિક્ષણની સાથે વિદ્યાર્થીઓની સુખાકારી માટે પણ મોટી જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં શાળાઓમાં અત્યાધુનિક લાઇબ્રેરી માટે ₹10 કરોડ અને શાળાઓની સફાઈ માટે ₹2 કરોડ ફાળવાયા છે. એટલું જ નહીં, બાળકોને આનંદદાયક વાતાવરણ મળે તે હેતુથી શાળાઓમાં ગેમ ઝોન બનાવવા માટે ₹5 કરોડ અને પ્રવાસ માટે ₹25 લાખની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત વાર્ષિક ઉત્સવ માટે ₹1.5 કરોડ અને વહીવટી કામગીરીને વેગ આપવા ઓફિસ ડિજિટલ કરવા માટે ₹1 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.
શૈક્ષણિક ગુણવત્તામાં સુધારો લાવવા માટે શૈક્ષણિક સંશોધન માટે ₹10 લાખ ફાળવવામાં આવ્યા છે અને શહેરની 353 શાળાઓને 'અનુપમ શાળા' મોડેલ સ્કૂલમાં તબદીલ કરવાનો મહત્વકાંક્ષી લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ શાળાઓનું માળખું આધુનિક બનાવવામાં આવશે જેથી ખાનગી શાળાઓની સ્પર્ધામાં મ્યુનિસિપલ શાળાઓ પણ શ્રેષ્ઠ દેખાવ કરી શકે.
રમતગમત ક્ષેત્રે બાળકોને વૈશ્વિક સ્તરે તૈયાર કરવા માટે ખાસ આયોજન કરાયું છે. હાલમાં AMCની શાળાઓના બાળકો 56 જેટલી વિવિધ રમતોમાં ભાગ લઈ રહ્યા છે, ત્યારે તેમને ભવિષ્યમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે સજ્જ કરવા ₹10 કરોડની જોગવાઈ રમતગમત માટે કરવામાં આવી છે. આ ફાળવણી દ્વારા પાયાના સ્તરેથી જ રમતવીરો તૈયાર કરવાનો મિશન હાથ ધરાશે.
શૈક્ષણિક અને શારીરિક વિકાસની સાથે બાળકોમાં નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોનું સિંચન થાય તે માટે બજેટમાં વિશેષ જોગવાઈ કરવામાં આવી છે. બાળકોના જીવનમાં શ્રીમદ ભગવદ ગીતાના મૂલ્યો સમજાય તે હેતુથી ગીતાના પાઠ સમજાવવા માટે અલગથી ₹20 લાખની ફાળવણી કરાઈ છે. આ શિક્ષણ રાજ્ય સરકારની માર્ગદર્શિકા અને પુસ્તિકા અંતર્ગત આપવામાં આવશે. આમ, આ બજેટ દ્વારા અમદાવાદની મ્યુનિસિપલ શાળાઓને હાઈટેક અને સુવિધાજનક બનાવી બાળકોના સર્વાંગી વિકાસનો પાયો નાખવામાં આવ્યો છે.
(11:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
