News of Wednesday, 28th January 2026
ગુજરાત મહેસૂલ વિભાગનો વહીવટી ફેંસલો : રાજયના ર૦૭ મહેસુલી તલાટીઓની સ્વ-વિનંતીથી જિલ્લા ફેરબદલીના આદેશ
અમદાવાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, રાજકોટ, મોરબી અને ભાવનગર સહિતના જિલ્લાઓમાં નવી નિમણૂંકો

રાજકોટ, તા. ર૮ : ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા વહીવટી પ્રક્રિયાના ભાગરૂપે અને કર્મચારીઓની સ્વ-વિનંતીને ધ્યાને રાખીને રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા ૨૦૭ જેટલા મહેસૂલી તલાટી (વર્ગ-૩) ની જિલ્લા ફેરબદલીના હુકમ કરવામાં આવ્યા છે. સચિવાલય, ગાંધીનગર ખાતેથી ૨૭ જાન્યુઆરી ૨૦૨૬ના રોજ બહાર પાડવામાં આવેલા આ સત્તાવાર આદેશ મુજબ, વિવિધ કલેક્ટર કચેરીઓ હેઠળના કર્મચારીઓની અરજીઓ પર વિચારણા કર્યા બાદ આ નિર્ણય લેવાયો છે.
બદલી માટેની આકરી
શરતો અને સૂચનાઓ
મહેસૂલ વિભાગે આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે આ જિલ્લા ફેરબદલીઓ સ્વ-વિનંતીથી કરવામાં આવી હોવાથી કર્મચારીઓને કોઈ પણ પ્રકારનો જોઈનીંગ ટાઈમ કે ભાડા ભથ્થું મળવાપાત્ર રહેશે નહીં. બદલી પામેલા કર્મચારીઓએ તેમની પ્રવરતા (Seniority) ગુમાવવાની રહેશે અને નવા જિલ્લામાં હાજર થવાની તારીખથી તેમની સિનિયોરિટી ગણવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓ હવે પછી ફરીથી અન્ય જિલ્લામાં બદલીની માંગણી કરી શકશે નહીં.
જો કોઈ કર્મચારી આ બદલી માટે ઈચ્છુક ન હોય, તો તેણે ૨ દિવસમાં કારણોસહ વિભાગને રિપોર્ટ કરવાનો રહેશે. જે કર્મચારીઓની નિમણૂક ચૂંટણી પંચની ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન-૨૦૨૬' ની કામગીરીમાં કરવામાં આવી છે, તેઓની બદલીનો અમલ આ કામગીરી પૂર્ણ થયા બાદ જ કરવાનો રહેશે. આ હુકમ મહેસૂલ વિભાગના સેક્શન અધિકારી રવિ પટેલ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે.
(2:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
