News of Wednesday, 28th January 2026
ગુજરાત રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પ્રથમ તબક્કામાં ૧,૬૧૪ પરાઓમાં રૂ. ૨,૬૦૦ કરોડના ખર્ચે ૨૦૨૦ કિમીના પાકા બારમાસી રસ્તા તૈયાર કરાશે- પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણી
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય : પરાઓને પાકા બારમાસી રસ્તાઓથી જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૦ ટકા અને રાજ્ય સરકાર દ્વારા ૪૦ ટકા રકમ ચૂકવવામાં આવે છે

અમદાવાદ તા.૨૮
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટમાં આદિવાસી વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે વધુ એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના આદિવાસી વિસ્તારોમાં આવેલા પરાઓને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત એકપણ વાર જોડાણ મળ્યું ન હોય તેવા ર૦૧૧ની વસ્તી ગણતરી મુજબ ૫૦૦થી વધુ વસ્તીના નોર્મલ એરિયા તથા ૨૫૦થી વધુ વસ્તી ધરાવતા ટ્રાયબલ એરિયાના ૧,૬૧૪ પરાઓને પ્રથમવાર પાકા બારમાસી રસ્તાથી જોડવામાં આવશે તેમ, પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયની વિગતો આપતા જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યના આદિવાસી વિસ્તારોમાં પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના-૪ અંતર્ગત કરવામાં આવેલા સર્વેમાં ૪,૭૮૧ પરાઓ પૈકી પ્રથમ તબક્કામાં ૧,૬૧૪ પરાઓ પસંદ કરવામાં આવ્યા છે. આ પરાઓમાં કુલ ૨,૦૨૦ કિલોમીટરના રસ્તા બનાવવામાં આવશે. આ રસ્તા અંદાજિત કુલ રૂ. ૨,૬૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે.
પ્રવક્તા મંત્રીશ્રીએ વધુ વિગતો આપતા કહ્યું હતું કે, આ નવીન રોડ તૈયાર થવાથી આદિવાસી વિસ્તારના કુલ ૧,૬૯૯ પરાઓમાં રહેતી અંદાજે ૮ લાખથી વધુ વસ્તીને લાભ મળશે અને માળખાકીય સુવિધામાં વધારો થશે. આ સિવાય બાકી રહેલા સર્વેની ચકાસણી પણ કેન્દ્ર સરકાર દ્વારા ઝડપથી કરવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત પરાઓને પાકા બારમાસી રસ્તાઓથી જોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ૬૦ ટકા અને રાજ્ય સરકાર દ્વારા ૪૦ ટકા રકમ ચૂકવવામાં આવે છે તેમ મંત્રીશ્રી ઉમેર્યું હતું.
(4:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
